ખેડા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Elections) પડઘમ સંભળાઈ રહ્યા છે. 1 ડિસેમ્બરે પ્રથમ અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણીને લઈને ગુજરાતમાં નેતાઓના ધામાં વધી ગયા છે. એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર થઈ રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ અને બીજી યાદી જાહેરાત થઈ ચૂકી છે. જેમાં ભાજપે ખેડા જિલ્લાની માતર બેઠકના બે ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની(Former MLA Kesrisinh Solanki) ટિકીટ કાપી હતી.
ટિકિટ કપાતાં નારાજગી: ભાજપ દ્વારા માતર બેઠક પર ઉમેદવાર તરીકે કલ્પેશ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જેનાથી માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી નારાજ થયા હતા. નારાજ થયેલા કેસરીસિંહે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સામેથી કોઈએ ફોન રિસીવ ન કરતાં કેસરીસિંહે પક્ષપલટો કર્યો હતો. અંતે તેઓ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. જ્યાં તેમણે આપ દ્વારા ટિકિટ આપવામાં આવશે તો ચૂંટણી લડશે તેમ પણ જણાવ્યું હતું.
બે જ દિવસમાં નારાજગી દૂર: પરંતુ આપમાં જોડાયાના બે જ દિવસમાં કેસરીસિંહ સોલંકીની નારાજગી દૂર થઈ ગઈ હતી. માત્ર બે જ દિવસમં તેઓ આપમાંથી ફરી ભાજપમાં પાછા ફર્યા હતા. માતરના ત્રાજ ખાતે કેન્દ્રીયપ્રધાન દેવુસિંહ ચૌહાણ,પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયા તેમજ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. માતર બેઠકના ઉમેદવાર કલ્પેશ પરમારનું સ્વાગત કરી ભારે બહુમતીથી જીતાડવા કાર્યકરોને આહવાન કર્યુ હતું. તેમના ફેસબુક એકાઉન્ટમાં ફોટો મૂકી તેઓ ભાજપ સાથે જ છે તેવા સંકેતો આપ્યા હતા.
હું ભાજપનો કાર્યકર્તા : ભાજપમાં ઘરવાપસી બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે "ઉમેદવાર સાથે મનદુ:ખ થતા આપમાં જોડાયો હતો. હવે હું કાર્યકર્તા તરીકે કામ કરીશ અને માતર બેઠકના ઉમેદવાર કલ્પેશભાઈને જંગી બહુમતીથી જીતાડવા કાર્ય કરીશ. હું ભાજપનો કાર્યકર્તા છું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરીશ."