ખેડા જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત
- ડાંગરની રોપણી ન થતા ખેડૂતોને મુશ્કેલી
- વરસાદ હજુ ખેચાંશે તો ડાંગરના ઉત્પાદનમાં ઘટોડો થવાની શક્યતા
ખેડાઃ જિલ્લામાં બે દિવસથી હળવો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ વાવણી લાયક વરસાદ ન થતા ધરતીપુત્રો સારા વરસાદની મિટ માંડીને બેઠા છે. ત્યારે ખેતી પર નભતા ધરતીપુત્રો ડાંગરની રોપણી ન થઇ શકતા સિઝન નિષ્ફળ જવાના ભયથી ચિંતીત બન્યા છે.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ ખેડા જિલ્લામાં વરસાદ ખેંચાઇ રહ્યો છે. જો કે બે દિવસથી સામાન્ય ઝરમર વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નહીં થતાં હજી ડાંગરની રોપણી થઇ શકી નથી. જેને લઇ ખેડૂતો સારા વરસાદની મીટ માંડીને બેઠા છે.
વરસાદની આશામાં ખેડૂતોએ ડાંગર રોપવા ખેતરો તૈયાર રાખ્યા છે, પરંતુ રોજ વરસાદ ધરતીપુત્રોને હાથતાળી આપી રહ્યો છે. જે વિસ્તારમાં સિંચાઈ માટે કુવાની કે નહેરની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ડાંગરની રોપણી થઇ રહી છે, પરંતુ જ્યાં સિંચાઈની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તે વિસ્તારોમાં વરસાદ પર જ ખેતી આધારિત છે. જેથી વરસાદ ખેચાંતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વનું છે કે જો વરસાદ હજુ પણ વધુ ખેંચાશે તો જિલ્લામાં ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.