નડિયાદમાં બે સપ્તાહ અગાઉ શહેરના કપડવંજ રોડ ઉપર આવેલા પ્રગતિ એપાર્ટમેન્ટનો ત્રણ માળનો એલ-26 બ્લોક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.સંવેદનશીલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મૃતકના પરિવારજનોને સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ (એસ.ડી.આર.એફ) માંથી રૂપિયા ચાર-ચાર લાખની સહાય મંજૂર કરી પ્રશાસનિક સંવેદના દાખવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રગતિ એપાર્ટમેન્ટ દુર્ઘટનામાં કામરાનભાઇ અંસારી, અલીનાબેન અંસારી, રાજેશભાઇ દરજી, પુનમબેન સચદેવનું કાટમાળમાં દબાઇ જતા મૃત્યુ થયા હતા. નડિયાદ શહેરમાં ભારે વરસાદને કારણે હરિઓમ નગર વિસ્તારના વિનુભાઇ પરમારનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. મૃતક વિનુભાઇ પરમારના પરિવારજનોને રાજ્ય સરકાર વતી રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવામા આવી છે.
ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ તથા કલેકટર સુધીર પટેલે મૃતકના પરિવારજનોના ઘરે જઇ રાજ્ય સરકાર વતી ચારેય મૃતકજનોના પરિવારોને રૂપિયા 16 લાખના ચેક અર્પણ કર્યા હતા. પંકજભાઇ દેસાઇએ પ્રગતિ એપાર્ટમેન્ટ દુર્ઘટનામાં મૃત્યું પામેલા પરિવારજનોમાં આવેલા આફતના સમયમાં રાજ્ય સરકાર સહિત જિલ્લા પ્રશાસન તેમની પડખે છે તેમ જણાવ્યું હતું. પંકજભાઇ દેસાઇએ જણાવ્યું કે, પ્રગતિનગર એપાર્ટમેન્ટમાં અંદાજે 35 વર્ષ પહેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આવાસો જર્જરીત થતા તમામ આવાસોને તોડી પાડવામાં આવશે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રીડેવલપમેન્ટ યોજના હેઠળ અધ્યત્તન સુવિધાસભર આવાસોનું નિર્માણ કરવામાં આવશે. તે માટેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં પ્રગતિ એપાર્ટમેન્ટના રહીશો પાસેથી જરૂરી દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે પ્રાંત અધિકારી લલિત પટેલ, શહેર મામલતદાર પ્રકાશભાઇ ખ્રિસ્તી, વિસ્તારના નગરસેવકો હાજર રહ્યા હતા.