- ખેડા જિલ્લામાં રૂ.62 કરોડના ખર્ચે ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજના શરૂ કરાશે
- પંથકના મોટાભાગના ગામોમાં ક્ષારયુક્ત પાણીને કારણે લોકોને સ્વાસ્થ્ય સમસ્યા
- જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત
ખેડા: મહુધા પંથકના મોટાભાગના ગામોમાં પીવાલાયક પાણી નથી. જેને પગલે લોકોને ક્ષારયુક્ત પાણી પીવાની ફરજ પડી રહી છે. આથી લોકોને વિવિધ ચર્મ રોગો તેમજ સાંધાનો દુખાવો અને પથરી જેવી તકલીફોનો ભોગ બનવું પડે છે. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રૂ.62 કરોડના ખર્ચે ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે.
મહુધા અને ઠાસરાના 68 ગામોને ફિલ્ટરયુક્ત પાણી પૂરું પડાશે
ખેડા જિલ્લાના 68 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત મહુધા તાલુકાના 42 ગામો અને ઠાસરા તાલુકાના 26 ગામો સહિત પરા વિસ્તારોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. આ યોજના અંતર્ગત ઠાસરાના દેવનગર તેમજ મહુધાના અલીણા ખાતે ફિલ્ટર પ્લાન્ટ તેમજ સબ સ્ટેશન બનાવવામાં આવનાર છે. અલીણા ખાતેના 12 લાખ લીટરના પાણીના સંપનું મહેમદાવાદના ધારાસભ્ય અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.