ખેડાઃ સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાઈરસની અસરને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. સરકાર દ્વારા ખેડા જિલ્લામાં કોરોના વાઈરસને લગતા દર્દીઓની સારવાર માટે એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજની પસંદગી કરવામાં આવી છે. જેને લઇ આ હોસ્પિટલ ખાતે નિયમ મુજબની તમામ સાધનસામગ્રી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નડિયાદ ખાતે એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજને જિલ્લા કક્ષાના કોરોનાની સારવાર અંગેની હોસ્પિટલ નિયત કરવામાં આવી છે. આ સમગ્ર કોરોના હોસ્પિટલને નડિયાદ ફાયરબ્રિગેડ દ્વારા સેનીટાઈઝ કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે તકેદારીના જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તેઓએ તમામ વિગતોની માહિતી મેળવી હતી. તમામ વોર્ડની, દવાઓની, ઓક્સિજન અને વેન્ટિલેટર તથા તબીબી સ્ટાફની પણ જાત માહિતી મેળવી હતી.
મહત્વનું છે કે, કોરોના વાઈરસના દિવસે દિવસે વધી રહેલા સંક્રમણને લઈ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ તેની સારવાર માટે હોસ્પિટલો નિયત કરવામાં આવી છે. ત્યારે નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની કોરોના હોસ્પિટલને તમામ સુવિધાઓથી સજ્જ કરવા સાથે સેનીટાઈઝ પણ કરવામાં આવી હતી.