- આફ્રિકામાં વડતાલધામ નૈરોબીએ ગરીબોની આંતરડી ઠારી
- 1100 લોકોને છ મહિનાની રાશન કીટ આપી
- જીવન જરૂરીયાતની વસ્તુનું વિતરણ
ખેડા :આફ્રિકાના પાટનગર નૈરોબી મુકામે શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા કોરોનાના કપરાકાળમાં માનવસેવાની જ્યોત જગાવી છે. સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. વડતાલધામ નૈરોબીના સ્થાપક ટ્રસ્ટી અને કે સોલ્ટના માલિક શેઠ કે.કે.વરસાણીના સૌજન્યથી કોવિડ-19 માં ઓછા વેતન મેળવનાર આફ્રિકાના સ્થાનિક 1100 જરૂરિયાતમંદ લોકોને ભોજન માટે મકાઈનો લોટ અને ચોખા, સ્વચ્છતા માટે કપડા ધોવાનો (ઓમો) પાવડર અને સ્નાન માટે હર્બલ સાબુ વગેરે જીવન જરૂરીયાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
નૈરોબી મંદિરનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો
શિક્ષાપત્રીના સર્વજીવ હિતાવહ સંદેશને દેશ વિદેશમાં વ્યાપક બનાવવા વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા આચાર્ય રાકેશપ્રસાદજીના આશીર્વાદ સાથે ઓસ્ટ્રેલિયા,લંડન અને આફ્રિકામાં વડતાલ તાબાના મંદિરોનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. તાજેતરમાં જ નૈરોબી મંદિરનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો છે.
મંદિર નિર્માણ કાર્યની સાથે સ્થાનિકોના જીવન ઉત્કર્ષ માટે પણ કાર્ય
પરેશ પટેલ - મહેળાવ, કે.કે.વરસાણી કચ્છ, પરેશ પટેલ વડતાલ, હરજીભાઈ રાઘવાણી કચ્છ,કુરજીભાઈ વરસાણી કચ્છ,પ્રથમેશ પટેલ નાર વગેરે અગ્રણીઓ મંદિર નિર્માણ કાર્યની સાથે સાથે સ્થાનિક લોકોના જીવન ઉત્કર્ષ માટે પણ કાર્ય કરી રહ્યા છે. એટલા માટે આ મંદિર ઈસ્ટ આફ્રિકામાં શિક્ષાપત્રીના સર્વજીવ હિતાવહ સેવા પ્રવૃત્તિનું કેન્દ્ર બનશે એમ વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી અને નૌતમ સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.