- 73 કરોડના ખર્ચે ડાકોર ખાતે નિર્મિત થનાર ફલાય ઓવર બ્રીજનું ઈ-ખાતમુહૂર્ત કરાયું
- યાત્રાધામ ખાતે વર્ષો જૂની ટ્રાફીક સમસ્યાનું કાયમી થશે નિવારણ
- ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્ભુત વિકાસકામો કરી છે અમારી સરકાર: પટેલ
ખેડા: પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શન માટે આવતા હોય છે. ત્યારે, ડાકોર જંક્શન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાના નિયંત્રણ માટે 73 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રીજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. જેનું ગુરૂવારે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે પંચમહાલના સાંસદ રતન સિંહજી રાઠોડ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુનસિહ ચૌહાણ દ્વારા પૂજા વિધિ કરાઈ હતી.
આ પણ વાંચો: પાટણ: મુખ્યપ્રધાન રૂપાણીએ 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું
વર્ષો જૂની ટ્રાફીક સમસ્યાનું કાયમી નિવારણ થશે
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દિવસેને દિવસે ભક્તોની ભીડ વધી રહી છે. આ ઉપરાંત, ગોધરા અને મધ્યપ્રદેશ જતા ભારદારી વાહનો પણ અહીંથી પસાર થાય છે. જેને લઈને યાત્રાધામ ડાકોરના મેઈન રોડ પર ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા હોવાથી આવનાર યાત્રાળુઓને અહીંથી પસાર થતાં પ્રવાસીઓને 2થી 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહી હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. જે સમસ્યાના કાયમી નિવારણ માટે 73 કરોડના ખર્ચે નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્ભુત વિકાસકામો
આ તકે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્યતન સુવિધાઓ સાથેના અદભુત વિકાસકામો અમારી સરકાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તા પર પાકા રસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોટાભાગના ગામડાઓને આવરી લેવાયા છે. જેના નિર્માણથી ગ્રામ્ય સ્તરે પણ પરિવહન સુવિધાઓ વધુ સુંદર બનશે.
આ પણ વાંચો: સિધ્ધપુરમાં નવનિર્મિત બસ સ્ટેશનનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું ઈ લોકાર્પણ
અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
કોરોના કાળમાં વધુ ભીડ ભેગી ના થાય તેનું ધ્યાન રાખી ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ બ્રિજનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ ખાતમુહૂર્તમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લાના ભાજપના પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.