- રણછોડરાયજી મંદિરે પૂનમના દર્શનનો વિશેષ મહિમા
- ઓનલાઈન બુકીંગ દ્વારા પુનમના દર્શન
- શરદપુર્ણિમાંથી ડાકોર રણછોડરાયજી મંદિરે પૂનમના દર્શન કરી શકશે
- ઓનલાઈન બુકીંગથી માત્ર 11000 દર્શનાર્થી કરી શકશે દર્શન
ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરે શરદપુર્ણિમાંથી લોકો પૂનમના દર્શન કરી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 6 માસથી કોરોના મહામારીને પગલે પૂનમના દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. ભાવિકો હવે ઓનલાઈન બુકીંગ કરાવી પૂનમના દર્શન કરી શકશે.
શરદ પૂર્ણિમાંથી દર્શન દ્વાર ખોલાશે
ડાકોર રણછોડરાય મંદિર મેનેજમેન્ટ દ્વારા આસોના શરદ પૂર્ણિમાંથી ભક્તો માટે પૂર્ણિમાના દર્શન દ્વાર ખુલ્લા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ કોવિડ ગાઈડલાઈનના કડક અમલ સાથે જ ભક્તોને મંદિર પ્રવેશ અપાશે. ફરજિયાત ઓનલાઈન બુકીંગથી માત્ર 11000 દર્શનાર્થી ભક્તો જ દર્શન કરી શકશે. પૂનમના દર્શન કરવા ભાવિકોએ મંદિરની વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે. બુકીંગ વગર કોઈ પણ દર્શનાર્થી ભક્ત મંદિર પ્રવેશ નહિ કરી શકે.
દર્શન માટે ઓનલાઈન બુકીંગનો સમય
પંચાંગ મુજબ 30/10/2020 અને મંદિર પંચાંગ મુજબ 31/10/2020 ના રોજ ડાકોર મંદિરમાં શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. પૂનમના દર્શન માટે બુધવાર તા.28/10/2020 ના રોજ સવારે 8:00 થી મંદિરની વેબસાઈટ www. ranchhodrayji.org પર બુકીંગ શરૂ કરાશે.
મહત્વનું છે કે, ડાકોર રણછોડરાયજી મંદિરે પૂનમના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. જેને લઈ દર માસની પૂનમે વિશાળ સંખ્યામાં દર્શન માટે ભાવિકો મંદિરે આવતા હોય છે. પરંતુ કોરોના મહામારીને પગલે છેલ્લા 6 માસથી મંદિરમાં પૂનમના દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. હવે આ શરદપૂનમથી દર્શન ખુલ્લા કરવાનો નિર્ણય લેવાતા ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.