ખેડા: પવિત્ર યાત્રાધામ ડાકોરને કપડવંજ સાથે જોડતા સ્ટેટ હાઈવે પરથી પસાર થવું વાહનચાલકો માટે ત્રાસદાયક બન્યું છે. તંત્ર દ્વારા દેખાડા પૂરતી કરાતી કામગીરીને લઇને લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.
આ રસ્તા પર ઠેર-ઠેર કિલોમીટરો સુધી પડેલા મોટા ખાડાઓ વચ્ચેના ઉબડખાબડ રસ્તા રાહદારીઓ માટે પણ એટલા જ પડકારજનક બન્યા છે. તાજેતરમાં થયેલા વરસાદને લઈને આ હાલત અત્યંત ખરાબ બની છે. આ રોડ પર હલેસા ખાતાં વાહનચાલકોને ગોકળગાયની ગતિથી પસાર થવું પડે છે. સતત ધમધમતા સ્ટેટ હાઇવે પર ભારવાહક વાહનો સહિત રોજિંદી ખૂબ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે.
આ ઉપરાંત વાહનચાલકોને અકસ્માત થવાના તેમજ ઇજાગ્રસ્ત થવાના પણ અનેક બનાવો બન્યા છે. જેને લઈ રોડ પર અવરજવર કરવું પણ વાહનચાલકો માટે જોખમી બની રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી સમારકામની કામગીરી કરવામાં આવે છે. જેથી થોડા દિવસ બાદ રોડની હાલત જેમની તેમ થઈ જાય છે. લોકોમાં પણ તંત્રની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.