- સોશિયલ ડિસ્ટન્સ બાબતે સમજાવતા ટોળાએ કર્યો હુમલો
- પોલીસ વાન, કાર અને બે બાઈકને નુકસાન, એકને ઈજા
- પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું
ખેડા : મસ્જિદમાં નમાજ પઢતા લોકોને પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે સમજાવવામાં આવ્યા હતા. જે દરમિયાન બોલાચાલી થતા મામલો બિચાકાયો હતો. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોના ટોળા દ્વારા કુંડવાવ પોલીસ ચોકી અને શહેર પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસ વાન, કાર અને બે બાઈકને નુકસાન
ટોળાના હુમલામાં બે પોલીસ કર્મચારીઓના બાઈક તેમજ પોલીસ વાન અને એક કારને નુકસાન થયું હતું. ટોળાએ પોલીસ ચોકીનો સામાન પણ તોડી નાખ્યો હતો. જે બાદ લોકોના ટોળાએ શહેર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જયાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ઘટનામાં એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો - વડોદરાના સનફાર્મા રોડ પર પોલીસ PCR વાન પર હુમલો
પોલીસ કાફલો પહોંચતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી
લોકોના ટોળાને વિખેરવા પોલીસ દ્વારા ચાર રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો જિલ્લા પોલીસનો કાફલો પહોંચ્યો હતો. જે બાદ પરિસ્થિતિ થાળે પડી હતી.
આ પણ વાંચો - કપરાડામાં પોલીસ પર હુમલો કરનારા 5 આરોપીની કરાઈ ધરપકડ
પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું
શાંતિ જળવાઇ રહે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાત્રિથી જ સમગ્ર શહેરમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલમાં પણ કરવામાં આવ્યું છે. હાલ શહેરમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આ ઘટનામાં એક પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા હુમલા બાબતે ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.