- કોરોના મહામારીથી બજારોમાં મંદીનો માહોલ
- ગ્રાહકોથી ઉભરાતું નડિયાદનું ગંજ બજાર સૂમસામ
- ખાદ્યતેલ તેમજ દાળ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો
ખેડા : કોરોના મહામારીએ સમગ્ર માનવ જીવન વ્યાપક રીતે પ્રભાવિત કર્યું છે.જેમાં વિશેષ રીતે ધંધા-રોજગારને માઠી અસર થઇ છે. મહામારીને પગલે બજારોની રોનક છીનવાયેલી જોવા મળી રહી છે.
કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર થતા બજારો બંધ હતી.બાદમાં અનલોકની જાહેરાત છતાં ધંધા રોજગાર શરૂ થયા હતા.જો કે અનલોક રાહતને બદલે આફત લઈને આવ્યું હોય તેમ ખાદ્યતેલ અને દાળના ભાવમાં વધારો થયો છે.મહામારી પહેલાની સામાન્ય સ્થિતિ કરતા અત્યારે અનલોકમાં તેલ અને દાળના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
ખાદ્યતેલમાં સરેરાશ 10 રૂ.નો વધારો થયો છે.પહેલા એક કિલો તેલનો ભાવ 95 રૂ. હતો. જે અનલોક બાદ હવે રૂ.105 થયો છે.તે જ રીતે વિવિધ દાળમાં પણ સરેરાશ 10 રૂ.નો વધારો થયો છે. તુવેર દાળનો ભાવ પહેલ 75 રૂ. હતો હવે 85 રૂ.થયો છે. ચણા દાળનો 50 થી 52 રૂ. ભાવ હતો જે વધીને 62 રૂ.થી 64 રૂ. થયો છે. કોરોના પહેલાની સ્થિતિ હવે બજારોમાં જોવા મળતી નથી.
કોરોના મહામારી પહેલા ભારે ચહલ-પહલ અને ભીડથી ઉભરાતું નડિયાદ ગંજ બજાર સૂમસામ બની ગયું છે.વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા બેસી સમય પસાર કરી રહ્યા છે. દુકાનો પર ગ્રાહકોની રાહ જોઈ રહેલા વ્યાપારીઓ નિરાશા અનુભવી રહ્યા છે.
ખાદ્યતેલ તેમજ દાળ સહિતની કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.એકંદરે અનલોક બાદ પણ વેપાર-ધંધાની સ્થિતિ હજી સામાન્ય બની શકી નથી.ગ્રાહકોથી ઉભરાતા બજારો સુમસામ થતાં બેહાલ બન્યા છે.વેપારીઓ ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
વેપાર ધંધા સાથે સંકળાયેલ છૂટક મજૂરો પણ માંડ માંડ મજૂરી મેળવી ગુજારો કરી રહ્યા છે. અનલોક પ્રક્રિયા બજારોની રોનક પાછી લાવી શકી નથી. મહામારીને કારણે બજારો સુમસામ અને બેહાલ બન્યા છે.