- ઓનલાઈન રજિસ્ટ્રેશનને લઈને વેક્સિન ન લેનાર ગ્રામીણ લોકો હવે લઈ રહ્યા છે વેક્સિન
- ગામોમાં આરોગ્ય કેન્દ્રો પર વેક્સિન અપાતી હોવાથી કોરોના વેક્સિનેશનમાં વધારો
- કોરોના વેક્સિનેશન અંગે લોકોમાં વધી રહી છે જાગૃતિ
ખેડાઃ રાજ્યમાં કોરોનાની વેક્સિન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ગામડામાં રહેતા લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડી રહી હતી અને કેટલાક લોકો તો રજિસ્ટ્રેશન કરાવી પણ નહતા શકતા. તેવામાં 18 વર્ષથી વધુ વયના લોકોનું રજિસ્ટ્રેશન વિના આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશન શરૂ કરાતા વેક્સિન લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. આવી જ રીતે ખેડા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં લોકો નજીકના આરોગ્ય કેન્દ્ર પર કોરોનાની વેક્સિન લેવા પહોંચી રહ્યા છે. જિલ્લાના મહુધા તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો- Walk In Vaccination Campaign : આણંદ જિલ્લામાં 157 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ
રજિસ્ટ્રેશન વગર વેક્સિનેશન શરૂ કરાતા લોકો વેક્સિન લેવા જઈ રહ્યા છે
અત્યાર સુધી 18 વર્ષ ઉપરના લોકોને ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે નહીં, પરંતુ તાલુકા સ્થળે એક જ કેન્દ્ર પર વેક્સિન અપાતી હોવાથી ત્યાં જવું પડતું હતું. તો લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા હતા. જોકે, હવે ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન આપવાનું શરૂ કરતાં લોકો સ્થાનિકો કેન્દ્ર પર વેક્સિન લેવા જઈ રહ્યા છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન દૂર કરવા સાથે હાલ ગામોમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર પણ 18 વર્ષ ઉપરના નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. મહુધા તાલુકામાં માત્ર મહુધા CHC ખાતે 18 વર્ષ ઉપરના લોકોનું વેક્સિનેશન થતું હતું, જે હવે તાલુકાના વિવિધ ગામો સહિત 9 કેન્દ્રો પર સ્થળ પર સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- Walk In Vaccination Campaign- દાંતા તાલુકામાં રાજસભાના સાંસદના હસ્તે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત
મહુધામાં દૈનિક વેક્સિનેશનનો આંકડામાં ત્રણ ગણો વધારો
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો કે, જ્યાં વેક્સિનેશનને લઈને લોકોમાં ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે ત્યાં પણ હવે લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. આસપાસના શિક્ષિત લોકોએ વેક્સિન મુકાવી હોવાથી તેમને જોઈ અશિક્ષિત કે અલ્પશિક્ષિત લોકો પણ હવે વેક્સિન મુકાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં 45 વર્ષથી વધુ વયના લોકોની સાથે જ હાલ 18 વર્ષ ઉપરના લોકોનું પણ વેક્સિનેશ ચાલી રહ્યું છે, જેમાં સતત વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. મહુધા તાલુકામાં અત્યાર સુધી રોજ 250થી 300 લોકોનું વેક્સિનેશન થતું હતું, જે આંકડો વધીને હવે 785 સુધી પહોંચ્યો છે.