ખેડા: વિશ્વભરમાં વધી રહેલા કોરોના વાઈરસના કહેર વચ્ચે ભારતથી ઇન્ડોનેશિયા ગયેલા 27 જેટલા યુગલો મુસીબતમાં મુકાયા છે. આ યુગલો ગત 13 માર્ચે મુંબઈથી ઈન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે હનીમૂન ટ્રીપ માટે ગયા હતા. જે હાલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થતા ત્યાં ફસાઈ ગયા છે. ત્યાં હાલ આ તમામ યુગલોને હોટલ પ્રસાશન દ્વારા હોટલ ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે કફોડી પરિસ્થિતિમાં મુકાયેલા યુગલોએ ભારત સરકાર અને રાજ્ય સરકારને મદદ માટે અપીલ કરવામાં આવી છે.
આ 27 યુગલોમાં રાજસ્થાન જયપુર, હૈદરાબાદ, કેરળ, પંજાબ, આંધ્ર પ્રદેશ, મુંબઈ, પુના, દિલ્હી, તામિલનાડુ, મોહાલી, યુપી અને ગુજરાતના યુગલો છે. જેમાં એક યુગલ ગુજરાતના મૂળ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાટેરા ગામના છે. જયારે અન્ય બે યુગલો નડીયાદના છે.
ઈન્ડોનેશિયાના બાલી ટાપુમાં હનીમૂન ટ્રીપ પર ગયેલા આ 27 યુગલોની અપેક્ષા છે કે, સરકાર દેશ પરત આવવા માટે તેમને મદદ કરે. તેની માટે યુગલો દ્વારા પરિવારજનોને વીડિયો મોકલવામાં આવ્યા છે. હાલમાં આ વીડિયો ખેડા જિલ્લામાં વાઇરલ થઇ રહ્યા છે.
કેન્દ્ર સરકાર પાસે મદદની અપેક્ષાથી ખેડા જિલ્લાના વિનોદ પટેલે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણને તેમજ ખેડા કલેક્ટરને પણ રજૂઆત કરી છે.