ખેડાઃ જિલ્લાના ઠાસરામાં તાજેતરમાં જ નવા બનેલા પુલ પર કેટલીક જગ્યાએ તિરાડો દેખાતા પુલની કામગીરીને લઈ વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જેને લઈ મહી સિંચાઈ વિભાગનું તંત્ર દોડતું થયું હતું. કોન્ટ્રાક્ટર અને સેક્સન ઑફિસર સ્થળની વિઝિટ માટે પહોંચ્યા હતા. જો કે, કોન્ટ્રાક્ટર અને સેક્શન ઑફિસર પ્લાન એસ્ટીમેટ અને ટેન્ડર નક્શા સાથે ગ્રામજનો અને યુવાનોને ટેક્નિકલ બાબતો સમજાવતા મામલો શાંત થયો હતો.
નેશ મહી કેનાલ ઉપર વર્ષો જૂનો પુલ જર્જરિત થતા વારંવાર રીપેરીંગ થતું હોવાથી ગ્રામજનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નેશ-રાણિયા વિસ્તારમાં 25થી વધુ નાનામોટા ગામો આવેલા છે. જે તમામ ગામોનો અવરજવરનો આ મુખ્ય માર્ગ હોવાથી ગામના સામાજિક અને રાજકીય આગેવાનોએ આ જર્જરીત પુલના પુનઃ નિર્માણ માટે અનેક આવેદનપત્ર અને રજૂઆતો કરી હતી.
આ વિસ્તારના લોકોની વર્ષોની માગણી સંતોષાતા અને નવીન પુલ નિર્માણ થતા લોકોને રાહત થઇ હતી. જો કે, ચોમાસામાં 60 હજારની વસ્તીનો અવરજવરનો મુખ્ય માર્ગ તેમજ ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ પણ આ વિસ્તારમાંથી આવતા હોવાથી કોન્ટ્રાકટર એજન્સી દ્વારા ઝડપી કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન ગ્રામજનોની માંગ અને સુવિધાને લઈ પુલ પરથી અવરજવર શરૂ કરી દેવાઈ હતી. જેને પગલે પુલના પર કેટલીક જગ્યાએ તિરાડ સર્જાતા ગામના યુવાનોએ સોશિયલ મીડિયામાં જંગ શરૂ કર્યો હતો.
આ પુલ પર સાઈટ વિઝિટ માટે પહોંચેલા સેક્શન ઓફિસર દ્વારા જણાવાયું હતું કે, પુલ નિર્માણની ટેક્નિકલ ક્ષતિઓ અંગે ગ્રામજનોની ગેરસમજનું સમાધાન થયું છે. વરસાદી પાણી અને ભારે વાહનોની અવરજવરને લઈ એપ્રોચ સ્લેબમાં નીચે માટી બેસી જવાથી આવી સ્થિતિ સર્જાતી હોય છે. જો કે, બેરલને કોઈ જ નુકસાન નથી. હજુ કામ શરૂ જ છે અને ગ્રામજનોએ કરેલી રજૂઆતને પગલે આ પરત્વે કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે.
કોન્ટ્રાક્ટર દ્વારા જણાવાયું હતું કે, ગ્રામજનોની સુવિધા માટે પુલ પર વહેલી અવરજવર શરૂ કરાઇ હોવાથી એપ્રોચ સ્લેબમાં ક્રેક થયું હતું. પુલના કોન્ટ્રાક્ટ મુજબ 3 વર્ષ સુધી કાંઈપણ નુકસાન થાય તો પૂરી કરવા અમે બંધાયેલા છીએ.