ખેડાઃ જિલ્લાના નડિયાદ ખાતે સ્વર્ણિમ ગુજરાત-50 મુદ્દા અમલીકરણના અધ્યક્ષ આઇ. કે. જાડેજાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ગરીબ અને સામાન્ય-મધ્યમવર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રાજય સરકારે મહત્વના નિર્ણયો લીધા છે.
આ સાથે આઈ. કે. જાડેજાએ જણાવ્યું કે, કોરોના બાદ બદલાયેલી આર્થિક પરિસ્થિતિમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી શકે, તે માટે મહિલાઓને બેન્કો દ્વારા વગર વ્યાજે લોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં લોન માટે સરકારી અને ખાનગી બેન્કોને આ યોજનામાં જોડાવા આઇ. કે. જાડેજાએ આહવાન કર્યું હતું.
આઈ. કે. જાડેજા વધુમાં જણાવ્યું કે, હવે નાના-મોટા વ્યવસાયોમાં, ગૃહ ઉદ્યોગો કોશલ્યોમાં મહિલાઓ પણ અગ્રેસર રહે તે રાજય સરકારનો ધ્યેય છે. રાજયની 27 લાખ માતાઓ-બહેનો સખી મંડળમાં જોડાઇ પરિવારોનો આર્થિક આધાર બની રહી છે.
વિધાનસભાના મુખ્ય દંડક પંકજકુમાર દેસાઇએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત પ્રત્યેક મહિલાદીઠ એક લાખની લોન મેળવી શકાશે અને તેનું વ્યાજ રાજય સરકાર ચૂકવશે. આ યોજનાનો લાભ ગ્રામ્ય અને શહેરી મહિલાઓ વ્યાપક પ્રમાણમાં લે તે માટે તેમણે અનુરોધ કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ યોજનાને અમલમાં મૂકી સર્વે ગુજરાતીઓ તરફથી વડાપ્રધાનને તેઓના જન્મ દિવસની શુભેચ્છા આપી છે, તેમ કહી શકાય.
જિલ્લા કલેકટર આઇ. કે. પટેલે લાભાર્થી મહિલાઓને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વિશેષતાઓ અંગેની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ પારેખે સ્વાગત પ્રવચન આપતા આ યોજના અંગેની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં નડિયાદના પ્રાંત અધિકારી, નગરપાલિકાના પ્રમુખ દિપીકા પટેલ, નગર પાલિકાના સદસ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.