ખેડાના યાત્રાધામો ડાકોર,વડતાલ અને નડિયાદ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી
ગુરુપૂર્ણિમાના પર્વની બંધબારણે ઉજવણી કરવામાં આવી
ભાવિકો દ્વારા મંદિરની ધજા તેમજ ઓનલાઇન દર્શન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી
ખેડા : ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો વિશેષ મહિમા રહેલો છે. ગુરુપૂર્ણિમા એ ગુરુવંદનાનો મહત્ત્વનો તહેવાર છે. જેને લઇને ખેડાના સુપ્રસિધ્ધ યાત્રાધામો ડાકોર,વડતાલ અને નડિયાદ ખાતે આરતી,પાદુકાપૂજન અને ગુરુપૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભકિતભાવ પૂર્વક આયોજન કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોના મહામારીને પગલે મંદિરોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી બંધ રાખવામાં આવી છે. જેને લઇ ગુરુપૂર્ણિમાના પર્વની બંધબારણે ઉજવણી કરવામાં આવી હતી.
આજે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા.પરંતુ ડાકોર ખાતે ભક્તો દ્વારા બહારથી રાજા રણછોડની ધજાના દર્શન કર્યા હતા. જ્યારે નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે પણ આજરોજ મંદિર બંધ હોવાથી ભાવિકો દ્વારા મંદિરની ધજા તેમજ ઓનલાઇન દર્શન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.
જ્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે કોરોના મહામારીને પગલે ગુરુ પૂર્ણિમાના દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈ સવારથી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સમય બાદ ભાવિકોની લાગણીને ધ્યાનમાં રાખી કોવિડ 19 ના નિયમોના ચુસ્ત પાલન સાથે મંદિરના દ્વાર ભાવિકો માટે દર્શન હેતુ ખોલવામાં આવ્યા હતા.