- ખેડા અને આણંદ જિલ્લાની 17 મહિલાઓને બેંકિંગ કોરસ્પોન્ડન્સની તાલીમ અપાઈ
- ગ્રામ્ય વિસ્તારમાં સખી મંડળો સાથે સંકળાઈ બેન્ક સખી તરીકે કાર્ય કરશે
- બેન્ક સખી પંચાયત કક્ષાએ વિવિધ યોજનાકીય કામગીરી કરશે
ખેડાઃ જિલ્લાના નડિયાદના પીપલગની રૂડસેટ ઇન્સ્ટિટયૂટ ખાતે ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલયના સહયોગથી એક સપ્તાહનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત સરકાર દ્વારા ગ્રામ્ય લેવલે ખાસ કરીને છેવાડાના ગામડાઓમાં સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ થાય, અટલ પેન્શન, એમ જે વી વાય, વીમા યોજના, બેન્કમાં ખાતા ખોલાવવા, સખી મંડળની બહેનોના બેન્કમાં ખાતા ખોલાવવા, ઓછા વ્યાજે વ્યવસાય માટે પશુપાલન માટે લોન અપાવવી જેવી તમામ બાબતો માટે ગ્રામ પંચાયત કક્ષાએ બેન્કિંગ કોરસ્પોન્ડન્સ બેન્ક સખી તરીકે હાલમાં કાર્યરત બહેનો તેમજ બેન્ક સખી તરીકે જેમને જોડાવું છે એવી મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી.
તમામ પ્રકારની તાલીમ નિશુલ્ક આપવામાં આવી
આ તાલીમ કાર્યક્રમમાં તાલીમ મેળવેલી મહિલાઓ ગ્રામ પંચાયત લેવલે બેન્ક સખી ઉપરોક્ત તમામ કામ કરશે. આ માટેની તમામ પ્રકારની તાલીમ તદન નિશુલ્ક આપવામાં આવી છે. જે બહેનો બેન્ક સખી તરીકે નવા જોડાશે તેઓને આ ટ્રેનિંગ પછી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ ફાયનાન્સની પરીક્ષા આપ્યા પછી બેન્ક સખી તરીકે કાર્યરત બનશે. બેન્ક સખીની તાલીમ લઈ રહેલી બહેનોએ નિશુલ્ક તાલીમ માટે ભારત સરકારનો આભાર માન્યો છે.
બેન્ક સખી કાર્યરત બહેનોએ અનુભવ રજૂ કર્યા
જે બેન્ક સખી તરીકે કાર્યરત છે. તે બહેનોએ ભારત સરકારના આ કાર્યક્રમ માટે આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે, બેન્ક સખી તરીકે ગ્રામ્ય કક્ષાએ ગયા પછી ઘણા મોટા પ્રમાણમાં સખી મંડળની બહેનોએ બચત ખાતા ખોલાવ્યા છે. તેમજ વિમા પણ લીધા છે. જ્યા બેન્ક નથી ત્યાં ઓનલાઈન ટ્રાન્જેક્શન આધાર કાર્ડના માધ્યમથી કરવામાં આવે છે.