- ખેડૂતો પોતાની ખેતપેદાશોનું સીધું ગ્રાહકોને વેચાણ કરી શકે તે માટે આયોજન
- નડિયાદ ઇપ્કોવાલા હોલના મેદાનમાં ખેત પેદાશોના વેચાણની વ્યવસ્થા ઉભી કરાઇ
- નડિયાદ એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના સીધા વેચાણ માટે અલાયદિ વ્યવસ્થા કરાશે
ખેડા :સરકાર દ્વારા રાજ્યમાં ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ઝુંબેશ શરુ કરવામાં આવેલ છે. હાલમાં સૌને કોરોના વાયરસના પ્રકોપ સામે રોગ પ્રતિકારક શક્તિનું મહત્વ સમજાયું છે.ત્યારે રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓ વિનાના ખોરાકનું મહત્વ વધ્યું છે. મનુષ્ય સ્વાસ્થ્યની સુરક્ષા માટે કૃષિ ક્ષેત્રે ફરી કુદરતના ખોળે જવાની જરૂરિયાત ઉભી થઇ છે અને આ માટેનો સૌથી ઉત્તમ વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે.
ઝેરમુક્ત ઉત્પાદનોનું ગ્રાહકોને સીધું વેચાણ
ખેડા જિલ્લાના ઘણા ખેડૂતો આ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાયા છે. તેઓના દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશો જેવી કે ચોખા, દેશી બાજરી, બંટી, બાવટો, મગની દાળ, અડદની દાળ, કાળા ચોખા, કાળા ઘઉં, ચોખાની પાપડી, મગફળીનું તેલ, લીલા શાકભાજી, લીલું લસણ, વાલોળ, તુવેર, મેથી-પાલક-સવાની ભાજી, શક્કરીયા, ટામેટા, બટાકા વિગેરે ઝેરમુક્ત ઉત્પાદનોનું ગ્રાહકોને સીધું વેચાણ કરી શકે તેવા શુભ આશયથી સરકાર દ્વારા અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે.
નડિયાદ એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના સીધા વેચાણ માટે અલાયદિ વ્યવસ્થા કરાશે
નડિયાદ ખાતે આજે અમૃત આહાર મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માનવજીવનની સાથે સાથે સમગ્ર જીવ સૃષ્ટિ માટે લાભદાયક છે. આ ખેતી દ્વારા ઉત્પાદિત અનાજથી કુદરતી સંતુલન જળવાઇ રહે છે.પર્યાવરણની જાળવણી થાય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે, આ ખેતી દ્વારા ઉત્પાદિત ખેત પેદાશના ઉપયોગથી મનુષ્યના સ્વાસ્થ્યને સારો ફાયદો થાય છે અને તેની રોગ પ્રતિકારક શકિત વધે છે.