- નડીયાદ શહેર અને જિલ્લામાં સ્થિતિ ગંભીરતા તરફ વધી રહી છે
- હાલ જિલ્લામાં 1,006 દર્દીઓ દાખલ
- નડીયાદ સિવિલ હોસ્પિટલમાં 140 દર્દીઓ દાખલ
ખેડાઃ નડીયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં સંક્રમણમાં થઈ રહેલા વધારાને પગલે રોજે રોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ હોસ્પિટલ્સ ફૂલ થઈ રહી છે. દર્દીઓને સારવાર મેળવવા હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી. શહેરની વિવિધ હોસ્પિટલ ફૂલ હોવાથી દાખલ કરવા માટે દર્દીઓને લઈને ઠેર-ઠેર ભટકવું પડે છે.
આ પણ વાંચોઃ સાબરકાંઠામાં કોરોના બેકાબૂ, સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી કતાર
નડીયાદ સિવિલ હોસ્પિટલમાં 140 દર્દીઓ દાખલ
જિલ્લામાં હાલ કુલ 1,006 દર્દીઓ વિવિધ હોસ્પિટલ્સમાં દાખલ છે. જ્યારે નડીયાદ સિવિલ હોસ્પિટલમાં 140 દર્દીઓ દાખલ છે. જેને લઈ સિવિલ હોસ્પિટલમાં બેડના અભાવે દાખલ થવા આવનાર દર્દીઓથી ભરેલી એમ્બ્યુલન્સની કતાર લાગે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને 6થી 7કલાક એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવી રહ્યા છે.
ગુરુવારે વધુ 151 કેસો નોંધાયા
નડીયાદ શહેરમાં 91 સહિત ખેડા જિલ્લામાં ગુરુવારે નવા 151 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 5,925 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 4,896 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 1,006 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.
આ પણ વાંચોઃ પાટણની ધારપુર હોસ્પિટલની બહાર 100થી વધુ દર્દીઓની સારવાર માટે કતાર
તંત્ર દ્વારા સુવિધા વધારવા સાથેના નિયંત્રણો લાગુ કરાયા
કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈને તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે મળી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સાથે જ નડીયાદમાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ બજારો, દુકાનો, વેપારી પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવી છે તેમજ જિલ્લામાં પણ વિવિધ નિયંત્રણો લાગુ કરાયા છે. મહત્વનું છે કે, વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગતી કતારો સૌને નિયમોનું ગંભીરતાથી ચુસ્ત પાલન કરવા જણાવી રહી છે.