- ચીફ ઓફિસર રજા પર, અન્ય ચીફ ઓફિસરને ચાર્જ સોંપતા તે પણ ગેરહાજર
- નગરપાલિકાના કામો લાંબા સમયથી અટવાયા
- એમ્બ્યુલન્સ સહિતની અનેક મહત્વની કામગીરી અટકી
ખેડા : છેલ્લા 20 દિવસથી ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર વગર નગરજનો પરેશાની ભોગવી રહ્યા છે. વર્તમાન ચીફ ઓફિસર રજા પર હોવાને કારણે અન્ય નગરપાલિકાના ચીફ ઓફિસરને ચાર્જ આપવામાં હતો, પરંતુ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પણ હાજર ન રહેતા હોવાને કારણે હાલ નગરપાલિકાની કામગીરી અટવાઈ પડી છે.
3 દિવસ પહેલાં જ રેગ્યુલર ચીફ ઓફિસરની રજા પૂરી થઇ
ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર છેલ્લા 22 દિવસોથી રજા પર છે. જેને કારણે ડાકોર નગર પાલિકાનું વહીવટી કામકાજ અટકી પડ્યું છે. 3 દિવસ પહેલાં જ રેગ્યુલર ચીફ ઓફિસરની રજા પૂરી થઇ હોવા છતા હજૂ હાજર થયા નથી. ત્યારે જવાબદાર અધિકારી બેજવાબદાર બન્યા હોય તેવું સાબિત થયું છે.
નગરજનોના અનેક કામો અટવાયા
ચીફ ઓફિસરની ગેરહાજરીને પગલે નગરજનોના લગ્નના દાખલા સહિતના અનેક કામો અટવાયા છે. આ સાથે જ શહેરના બે વોર્ડમાં પાણીની મોટર બળી ગઈ હોય તેના રિપેરિંગ માટે ચીફ ઓફિસરની સહીની જરૂર છે, પરંતુ ચીફ ઓફિસર ગેરહાજર હોવાથી પાણી વગર લોકો વલખાં મારી રહ્યા છે. તો અતિ મહત્વની કહી શકાય તેવી અત્યંત જરૂરિયાતની વસ્તુ એમ્બ્યુલન્સ પણ અટવાઈ પડી છે. છેલ્લા કેટલાક દિવસથી એમ્બ્યુલન્સમાં ખામી સર્જાઇ છે. જેને રિપેરિંગ માટે પણ નગરપાલિકાના ચીફ ઓફિસરની સહી જરૂરી છે, પરંતુ હાલ કોરોના મહામારી વચ્ચે પણ એમ્બ્યુલન્સ રિપેરીંગ કરાવી શકાઈ નથી. શહેરમાં સફાઈની કામગીરી પણ અટકી પડી છે. આવી અનેક મુશ્કેલીઓ નગરજનો છેલ્લા કેટલાક દિવસોથી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત ડાકોર શહેર યાત્રાધામ હોઈ એક મહિના અગાઉ જ વિવિધ વિકાસ કામો માટે 2.25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેની પણ કામગીરી ચીફ ઓફિસર વિના અટકી પડી છે.