આ ખાસ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, વચનામૃત મહોત્સવના દર્શન અને સેવાથી સૌ સંતો અને હરિભક્તોના સંકલ્પ વડતાલધામમાં બિરાજતા સ્વયં પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ પુરા કરશે. સાત દિવસના ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ભક્તિમય અને હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયો છે. આ ઉત્સવમાં અક્ષરધામ ઉતરી આવ્યું હોય તેવો ભાવ વ્યક્ત થઇ રહ્યો છે.
ભગવાન સ્વામિનારાયણે સવંત 1876માં પ્રથમ વચનામૃત પ્રબોધ્યું હતું. આ વચનામૃતના 200 વર્ષ પૂર્ણ થતાં શ્રી હરિના અતિપ્રિય વડતાલ ધામમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ 6 નવેમ્બરથી પ્રારંભ થયો હતો. આ મહોત્સવ નિમિત્તે પવિત્ર ગોમતી તળાવના કિનારે વિશાળ સભા મંડપ જ્ઞાનજીવન દાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં શ્રી હરિના પરાવાણી વચનામૃત કથાનું અમૃતપાન કરાવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃતિના કાર્યક્રમો યોજાયા હતાં. કાર્તિકી પૂર્ણિમાના દિવસે આચાર્ય મહારાજના આશીર્વચન સાથે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે આશીર્વાદ લેવા ખાસ બૉલિવૂડ એક્ટર ગોવિંદા ઉપસ્થિત રહ્યા હતાં. ગોવિદાએ સભા મંડપમાં વચનામૃત મહોત્સવના સંગીતના તાલે ડાન્સ કરીને સભામંડપમાં હાજરી આપી સૌને આનંદીત કર્યા હતાં. વધુમાં ગોવિંદાએ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરે તેમજ સાળંગપુર વડતાલ મંદિર સંચાલિત હનુમાનજી દાદાના મંદિરના અનુભવો ભક્તો સામે વ્યક્ત કર્યા હતાં.