- દાગીના અધિકારી તરીકે ફરજ બજાવતો આરોપી
- જુગાર રમવા આરોપીએ દાગીના ગીરવે મુક્યા હતા
- લેણદારની ઉઘરાણીથી ઉત્તર પ્રદેશ ભાગ્યો હતો આરોપી
ખેડાઃ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન રણછોડરાયજીના દાગીના અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ઉર્ફે નંને રાજપત તિવારી જુગારની લતના કારણે ગુનાહિત માનસિકતા ધરાવતો હતો. ભગવાનના દાગીના ગીરવે મુકી જુગારમાં હારી ગયો હતો. બાદમાં લેણદારોએ પઠાણી ઉઘરાણી શરૂ કરતા આરોપી ડાકોર છોડી ભાગી ગયો હતો.
આરોપી 20 વર્ષે ઉત્તરપ્રદેશથી ઝડપાયો
દાગીના ચોરીના મામલામાં જે તે સમયે મંદિરના મેનેજર તરીકે ફરજ બજાવતા મનુભાઈ ભટ્ટ દ્વારા તારીખ 9/12/2001ના રોજ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદને પગલે ડાકોર પોલીસ દ્વારા અન્ય 11 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી રાજેન્દ્ર તિવારી નાસતો કરતો હતો. જેને ડાકોર પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના તિવારીપુરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
હાલ ડાકોર મંદિરમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ મહેતાને આરોપી બાબતે મળેલી ગુપ્ત માહિતીના આધારે ડાકોર પોલીસને વિગતો આપવામાં આવી હતી. જેને પગલે ડાકોર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આમ રણછોડરાયજીના દાગીના ચોરનારને 20 વર્ષે ડાકોર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
1.2 કિલો સોનાના દાગીનાનું મૂલ્ય હાલ 60 લાખ થાય
ભાવિકો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવેલા ચોરી કરવામાં આવેલા આ સોનાના દાગીના 1.2 કિલો હતા. જેની હાલની બજાર કિંમત લગભગ 60 લાખ જેટલી થાય છે.