- પ્રાથમિક શાળામાં થયેલી ચોરીમાં આરોપી ઝડપાયો
- પોલિસ દ્વારા મુદ્દામાલ રિકવર કરી ચોરીની બાઈક પણ ઝડપી
- ચોરીના વધુ ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા
ખેડાઃ જિલ્લાના મહુધાના વડથલની પ્રાથમિક શાળામાં થયેલા કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલની ચોરીના મામલે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મહુધા પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરેલી બાઈક પણ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક શાળામાં બાઇક સહિત કોમ્પ્યુટરની પણ ચોરી
મહુધા તાલુકાના વડથલ ગામની પ્રાથમિક શાળામાંથી ગત્ત 1 ડિસેમ્બરના રોજ કોમ્પ્યુટર સીપીયુ, મોનિટર, યુપીએસ, એલઈડી ટીવી સહિતના મુદ્દામાલની ચોરી કરવાની ઘટના બની હતી. જે મામલે મહુધા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મહુધા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાઈક સાથે એક શંકાસ્પદ ઈસમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા તેની સાથે રહેલું બાઈક ચોરીનું હોવાની સામે આવ્યું હતું.
વધુમાં પોલીસ પૂછપરછમાં આરોપી દ્વારા વડથલ ગામે પ્રાથમિક શાળામાં થયેલી ચોરીની પણ કબૂલાત કરી હતી. જેને લઈ મહુધા પોલીસ દ્વારા ચોરી થયેલા મુદ્દામાલની રિકવરી કરી આરોપી અલકેશ ઉર્ફે ગલકો અરવિંદને ચોરી કરેલું બાઈક સાથે ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી વધુ ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા
મહત્વનું છે કે, જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ઝડપાયેલો આરોપી અલકેશ ઉર્ફે ગલકો અગાઉ અમદાવાદ અને મહેમદાવાદમાં દેશીદારૂના ગુનામાં સંકળાયેલો છે. જે ચોરીની બાઈક સાથે ઝડપાયો હોવાથી પોલીસ દ્વારા અન્ય ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની શક્યતાને લઈ તપાસ હાથ ધરાઈ છે. જે બાદ વધુ ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા છે.