ખેડા: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડીયાદ નજીક બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. 10 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
કેવી રીતે થયો અકસ્માત?: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહેલી કાર ડીવાઈડર કૂદી અચાનક રોંગ સાઈડે આવી જતા અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર કાર બસ સાથે અઠડાઈ પલટી મારી ગઈ હતી. કાર સાથે અથડામણ થતાં રેલિંગ તોડી બસ નાળામાં ઉતરી જવા પામી હતી. બસમાંથી ઇમરજન્સી દરવાજામાંથી પેસેન્જરને બહાર કાઢવામાં આવ્યા હતા.
'અમારી બસ વડોદરાથી ગાંધીનગર સચિવાલય જતી હતી. દરમિયાન નડિયાદ પાસે અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. હું મારી સાઈડમાં એસટી હંકારતો હતો આ દરમિયાન ડીવાઈડર જંપ કરીને આવેલી કાર મારા બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આથી મારી બસ અનકન્ટ્રોલ થઈ જતાં બસ સીધી ખાલી સાઈડની રેલીંગ તોડી ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં મારી ભુલ નથી.' -રાકેશભાઈ, એસટી બસના ડ્રાઈવર
2 લોકોના મોત: અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. 10 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા નડીયાદ સહિત આસપાસની પાંચ જેટલી 108 એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નડીયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પોલિસે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિના મોત થયા છે. જે સાસણગીરના રહેવાસી જઈદઅલી સૈયદ અને તેનો મિત્ર સમીર હતા.આ કારના અકસ્માત નજીકથી MLA GUJARAT લખેલી પ્લેટ મળી છે. જે બાબતે હાસ તપાસ કરવામાં આવી રહી છે.મૃતકોના અમદાવાદ ખાતેના કોઈ મિત્રની કાર હોવાનું જાણવા મળેલ છે.આ કાર કોઈ MLA કે તેના સંબંધીની નથી.
અકસ્માતમાં ભોગ બનેલી કાર કોની?: કારમાં બેઠેલા બન્ને વ્યક્તિઓના મોત થયાના અહેવાલ છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ બાદ જ આ કાર કોની છે તે મામલે ખુલાસો થશે. બનાવને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.--પી.જી.પરમાર (તપાસ કરતા પોલીસ અધિકારી)