ખેડા: લંડન ખાતે સ્થાયી થયેલા મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના પ્રખ્યાત ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું યુવા વયે અવસાન થયું છે. થોડા સમય અગાઉ કોરોના સંક્રમણનો ભોગ બનતા કોરોના સારવાર લીધી હતી. જે બાદ સ્વસ્થ થતા બે દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવી હતી. જેના બે દિવસ બાદ ફરીથી તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
![મૂળ ખેડાના યુવા ગુજરાતી ગાયકનું લંડનમાં કોરોનાને કારણે મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8715423_271_8715423_1599491480592.png)
લંડનમાં વિજય ગઢવી ભારતના પ્રખ્યાત ગાયક કલાકાર હતા. તેમના અકાળે અવસાનને પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. તેમના પરિવારમાં તબીબ તરીકે સેવા આપતા તેમના ભાઈ તેમજ પિતા નિવૃત્ત પોલીસ અધિકારી છે. યુવા અને ઉભરતા કલાકારને કોરોના ભરખી જતા કલાકારના પરિવારજનો દ્વારા કોરોના સામે સાવચેતી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે.
![મૂળ ખેડાના યુવા ગુજરાતી ગાયકનું લંડનમાં કોરોનાને કારણે મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8715423_881_8715423_1599491509970.png)
વિજય ગઢવી ગુજરાતમાં અનેક સ્ટેજ કાર્યક્રમો કરીને જાણીતા બન્યા હતા. બાદમાં 10 વર્ષ અગાઉ લંડન સ્થાયી થતા લંડન તેમજ અન્ય યુરોપીય દેશોમાં પણ સારી એવી લોકચાહના ધરાવતા હતા. ત્યાંની સ્થાનિક ટીવી ચેનલોમાં પણ અનેક કાર્યક્રમ કરી ચૂક્યા હતા. જેને લીધે તેઓએ ભારે લોકચાહના મેળવી હતી. જોકે તેઓ કુદરતી રીતે બોલતા અચકાતા હતા પરંતુ તેમ છતાંય કર્ણપ્રિય મધુર અવાજમાં સહેજેય અટક્યા વિનાજ સરસ ગીત ગાઈ શકતા હતા. તેમના મધુર અને સુરીલા અવાજને લઇ વિદેશમાં ભારતીય ગાયક કલાકાર તરીકે પ્રસ્થાપિત થયા હતા.