- આર્યા યોજના હેઠળ મહિલાઓ સંચાલિત મિની રાઈસ મિલ શરૂ કરાઈ
- ગ્રામ્ય મહિલાઓને આર્થિક પગભર કરવાનો આશય
- મહિલાઓને આર્થિક લાભ મળશે સાથે નાના ખેડૂતોએ સુવિધા મળશે
ખેડાઃ કઠલાલ તાલુકાના અરાલ ગામમાં મહિલાઓ દ્વારા મિની રાઈસ મિલ શરૂ કરવામાં આવી છે. મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બની શકે તેવા ઉદ્દેશને ધ્યાનમાં લઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત મહિલાઓ સંચાલિત મિની રાઈસ મિલ શરૂ કરવામાં આવી છે. જેમાં ગામના તેમજ આસપાસના નાના ખેડૂતો ડાંગર જેવા પાક ગામમાં જ ભરડાવી શકશે. જેને લઈ ખેડૂતોને ગામમાં જ સુવિધા મળશે.
ગ્રામ્ય મહિલાઓને આર્થિક પગભર કરવાનો આશય
આ મિની રાઈસ મિલનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. મહિલાઓ પણ આર્થિક રીતે સદ્ધર થઈ શકે તેવા ઉદ્દેશને ધ્યાનમાં લઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્યા યોજના અંતર્ગત આ મહિલા સંચાલિત મીની રાઈસ મિલ શરૂ કરવામાં આવી છે. આ માટે ગામની જ ત્રણ યુવા મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. જેથી રાઇસ મીલના સંચાલન થકી તેઓ પોતાનું આર્થિક ઉપાર્જન કરી શકે અને પોતાનું ગુજરાન કરી શકે.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલીના ડો.પી.કે.શર્મા,પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.પ્રતિક દવે,વૈજ્ઞાનિક પશુપાલન ડો.કૌશલ પ્રજાપતિ,કિસાન સંઘ પ્રમુખ ડાહ્યાભાઈ ડાભી તેમજ ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.