- વડતાલધામ ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ
- ચૈત્રી સમૈયો અને હનુમાન જયંતિની સાદગીપૂર્ણ ઊજવણી કરાઈ
- સંતોએ કોરોના નાબૂદ થાય તે માટે કરી પ્રાર્થના
- ભાવિકોએ ઓનલાઈન મહાપૂજા કરી પૂનમ ભરી
ખેડા: જિલ્લાના સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે આજે મંગળવારે ચૈત્ર સુદ પુનમે શ્રી હનુમાન જયંતીએ પરંપરાગત ઊજવાતા સામૈયોની સાદગીપૂર્ણ ઊજવણી કરાઈ હતી. શ્રી હનુમાનજી સમક્ષ યજ્ઞ કરીને સંતોએ આહુતિ આપી હતી તથા નિજ મંદિરમાં સાક્ષાત્ બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા મહાપ્રતાપીશ્રી લક્ષ્મીનારાયણ દેવ સમક્ષ મહાપૂજા કરવામાં આવી હતી. મહાપૂજાના અંતે સંતો દ્વારા પ્રદેશ, દેશ અને દુનિયામાંથી કોરોના નાબૂદ થાય, આપણા સહુનું સ્વાસ્થ્ય સારૂ થાય એવી પ્રાર્થના સાથે સ્વર્ગસ્થ આત્માઓ માટે શાંતિની યાચના કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ
ભાવિકોએ ઓનલાઈન મહાપૂજા કરી પૂનમ ભરી
આ પ્રસંગે વડતાલ સંસ્થા સાથે જોડાયેલા હજારો ભક્તજનોએ ઓનલાઈન મહાપૂજા કરીને પૂનમ ભરી હતી. અહિંથી ભુદેવ મંત્રોચ્ચાર કરતા હતા અને સહુ ભક્તો પોતપોતાના ઘરે બેસીને મહાપૂજા કરી રહ્યા હતા. આ પ્રસંગે ચૈત્ર શુક્લ નોમથી પૂનમ સુધી ઓનલાઈન સપ્તાહ પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીજ નિવાસી પૂજ્ય પ્રિયદર્શન સ્વામીએ સંગીત સાથે કથામૃતનું રસપાન કરાવ્યું હતું.
આ પણ વાંચો : આજે હનુમાન જયંતિઃ સાળંગપુર મંદિરની આરતીના કરો દર્શન...
હિન્દી વચનામૃતનું વિમોચન
આજે મંગળવારે “પરબ્રહ્મ તત્વ ચિંતન “, અર્ચાવતાર સ્તોત્ર “ અને હિન્દી વચનામૃતનું વિમોચન પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂજ્ય ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભ સ્વામી, પૂજ્ય નૌતમ સ્વામી, સત્સંગ મહાસભા પ્રમુખ, ભક્તિપ્રકાશ સ્વામી, પૂજ્ય ધર્મપ્રસાદ શાસ્ત્રીજી વગેરે સંતો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહોત્સવનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી અને ગુણસાગર સ્વામીએ કર્યુ હતું .