ખેડાઃ જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલની સૂચનાથી નોડલ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઝાલા દ્વારા સમગ્ર ખેડા જિલ્લામાં કોરોના વિરુદ્ધ જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
જે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ખેડા જિલ્લાના સંયોજક પ્રણવ સાગરની નિગરાણી હેઠળ ખેડા જિલ્લાના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા સમગ્ર જિલ્લામાં કોરોના વિરુદ્ધ જન જાગૃતિ અભિયાન 20 જુલાઇથી શરૂ કરવામાં આવ્યું હતું.
તેમાં અત્યાર સુધી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના તાલુકા, નગરના સંયોજકો તથા યુવા કેન્દ્રો દ્વારા ખેડા જિલ્લાના 1 લાખથી વધુ લોકોનો સીધો સંપર્ક કરીને કોરોના વિરુદ્ધ જન જાગૃતિ લાવવાનો એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
![ખેડા જિલ્લામા કોરોના વિરૂદ્ધ જન જાગૃતિ અભિયાન શરૂ કરાયુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:18:29:1597330109_gj-khd-02-abhiyan-photo-story-7203754_13082020201314_1308f_1597329794_415.jpeg)
આ અભિયાનમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ દ્વારા પણ સહકાર મળેલો હતો. તેમજ ગામના યુવાનો સાથે સંવાદ કરી કોરોનાથી બચવાના ઉપાયોની જાણકારી આપી યુવાઓને તાલિમ આપવામાં આવી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા દ્વારા કપડવંજ, કઠલાલ, મહુધા, મહેમદાવાદના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના સંયોજકોને આ અભિયાનની વિસ્તૃત માહિતી આપી તાલિમ આપવામાં આવી હતી.
ખેડા જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા કોરોનાથી બચવાના ઉપાયોની માર્ગદર્શિકા, પેમ્ફલેટ પ્રજાજનો સુધી આ કેન્દ્રના યુવાનો દ્વારા વિતરીત કરવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગના સહકારથી રોગ પ્રતિકારક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના 34 સંયોજકો અને તેમના 1000થી પણ વધુ યુવા કેન્દ્રોના સભ્યો દ્વારા 12 હજારથી વધુ માસ્કનું વિતરણ પણ સ્વખર્ચે કરવામાં આવ્યું હતું. જાહેર જગ્યાઓ પરના જાહેર સૂચના બોર્ડ પર કોરોનાથી બચવાના ઉપાયો સંયોજકો દ્વારા લખવામાં આવ્યા હતા અને નગરપાલિકા વિસ્તારમાં રીક્ષા અને ટેમ્પાનો ઉપયોગ કરી લાઉડ સ્પીકર દ્વારા કોરોનાથી બચવા જનજાગૃતિ માટે પ્રચાર કરવામાં આવ્યો હતો.
નડિયાદ વિભાગની તમામ ST બસમાં ST વિભાગના સહકારથી લાઉડ સ્પીકર પર સૂચનાઓ અને પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના તમામ સંયોજકોએ કોરોનાના ભય વગર કોરોના વોરીયર્સ તરીકેની જવાબદારી ખુબ જ નિષ્ઠા પૂર્વક બજાવી હતી.