ખેડાઃ રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વટહુકમ 2020 બહાર પાડવામાં આવ્યો છે. તેમાં કર્મચારીઓ અંગેનું હિત જોવામાં આવ્યું નથી. જેથી રાજ્ય કક્ષાના સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શનનો આદેશ આપવામાં આવ્યો છે. તેના અનુસંધાનમાં ખેડા જિલ્લાના કપડવંજ APMC કર્મચારીઓ દ્વારા આજથી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કપડવંજના કર્મચારીઓના વિરોધ પ્રદર્શન અંતર્ગત આજરોજ 22 જુલાઇથી 24 જુલાઇ દરમિયાન દરેક કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરવાનું નક્કી કરી આજથી સૂત્રોચાર દ્વારા તેનો અમલ કર્યો છે.
તેમજ 3 દિવસ સુધી દરેક કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહેશે. APMC કપડવંજના સેક્રેટરી દક્ષેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર કર્મચારીઓના સંગઠન દ્વારા આ અંગે તાત્કાલિક યોગ્ય કામ કરવા માટે સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે.
જો તેમ કરવામાં નહીં આવે તો આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધારવામાં આવશે અને તમામ જવાબદારીઓ રાજ્ય સરકારની રહેશે.