ખેડાઃ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે આગામી સમયમાં આવનાર ધાર્મિક-સામાજીક ઉત્સવો અને પ્રસંગોને ધ્યાને લઇને એક પત્રકાર પરીષદ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા કેન્દ્ર/રાજય સરકાર દ્વારા આપવામાં આવેલી કોવિડ-19ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, નવરાત્રિ ગરબા આયોજન અંગે કેટલીક વધુ સ્પષ્ટતાઓ કરવાની જરૂરીયાત છે. જે મુજબ જિલ્લામાં જાહેર કે શેરી ગરબા સહિત કોઇપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.
આ અંગે આયોજન કરવા ઇચ્છતા હોય તો તેઓએ આ અંગે અગાઉથી જિલ્લા કલેક્ટરની સંમતિ લેવી પડશે. તેમજ કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. નવરાત્રિ દરમિયાન માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી જ કરવામાં આવેશ અને વધુમાં વધુ 200 વ્યક્તિની ઉપસ્થિતિમાં અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની એસ.ઓ.પીના પાલન સાથે આયોજન કરી શકાશે. તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહી. માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે, પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ અંગે નવરાત્રિના ગરબા-દશેરા-દિવાળી-બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે, તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. થર્મલ સ્કેનર, સેનેટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે.
જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે, વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા - ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે. દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ, શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહ ભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા,નાયબ માહિતી નિયામક ઇલાબેન વ્યાસ, દિવ્યેશ આચાર્ય તથા મોટી સંખ્યામાં પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા.