ખેડા: નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાયકા ખાતે ફરજ બજાવતા ફીમેલ હેલ્થ વર્કરના આપઘાતની ઘટના સામે આવી છે. પોતાના બારેજા ખાતે આવેલા મકાનની છત પરથી કુદીને મહિલાએ જીવન ટુંકાવ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના: ઉલ્લેખનીય છે કે હાલ મહિલાની તાજેતરમાં જિલ્લા આરોગ્ય વિભાગે વહીવટી કારણોસર તેઓની બદલી નવાગામ ખાતેથી ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી ગામમાં કરી હતી. બદલીને લઇને મહિલાને મનદુઃખ હતું. જે બાબતે તેણે પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો હતો અને ફેસબુક પર પોસ્ટ મુકી હતી. જેમાં જણાવ્યું હતુ કે, 'હું કામગીરી સારી કરુ છું છતાં બદલી, આવો અન્યાય' તેવી પોસ્ટ મૂકી હતી. જેથી બદલી બાબતે તણાવમાં હોવાની શંકાએ જોર પકડ્યું છે. બદલીને લઈ તે તણાવમાં હોવાની આશંકા છે. ત્યારે બદલીને કારણે તેણે અંતિમ પગલું ભર્યું છે કે આપઘાત કરવા પાછળ કોઈ અન્ય કારણ છે તે સહિતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
'મને આજે સવારે આ બાબતે સમાચાર મળ્યા છે. મહિલા પોતે ગળતેશ્વર તાલુકાના માંઘરોલી પીએચસીમાં નોકરી કરતા હતા. અને એમની હમણાં 11 ડિસેમ્બરના રોજ બદલી કરાઈ હતી. હાલ આ બાબતે વિગતો મંગાવી રહ્યો છું. હું એવુ માનતો નથી કે બદલીના કારણે આ પગલું ભર્યું હોઈ શકે. તેમની સાથે 11 વ્યક્તિઓની બદલી થઈ છે જે વહીવટી બદલી છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. આમ છતાં પણ સ્ટાફ અને અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.'- ડો. વી.એ. ધ્રુવે, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, નડિયાદ