- કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો
- મહુધા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ
- હત્યા કે અકસ્માત તે રિપોર્ટ બાદ કહી શકાય : મહુધા પીઆઈ
ખેડાઃ મહુધા તાલુકાના ફિણાવ ગામથી પસાર થતી માઇનોર કેનાલમાં સવારના સમયે પુરૂષનો તરતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેને લઈ ગામમાં ચકચાર મચી જવા પામી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા કેનાલ પર ઉમટી પડ્યા હતાં. સ્થાનિકો દ્વારા મહુધા પોલીસને જાણ કરવામાં આવતા મહુધા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં પોલીસે ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
માથામાં ઈજાનું નિશાન મળી આવ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં ગ્રામજનોની પૂછપરછ કરતા ઓળખ થઈ શકી નહોતી. અજાણ્યો પુરૂષ 45 વર્ષની ઉંમરનો હોવાનું જણાયું હતું. મૃતદેહના માથાના ભાગે ગંભીર ઇજાઓ હોય તેવા નિશાન મળી આવ્યાં હતાંં.જ્યાંથી લોહી નીકળતું જણાયું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હત્યા કે અકસ્માત તે રિપોર્ટ બાદ કહી શકાય :મહુધા પીઆઈ
આ અંગે મહુધા પીઆઈ વી.કે.ખાંટ દ્વારા જણાવાયું હતું કે પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ બાદ જ ઈજા પહોંચવા અંગે જાણી શકાય.જે બાદ જ હત્યા કે અકસ્માત છે તે કહી શકાય.