ખેડા : જિલ્લાની ઠાસરા મામલતદાર કચેરીમાં એકસાથે કોરોના પોઝિટિવના 7 કેસ નોંધાવા પામ્યા છે. જેમાં બે નાયબ મામલતદાર તેમજ અન્ય પાંચ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. મામલતદાર કચેરીમાં કોરોના સંક્રમણને પગલે કચેરીનું કામકાજ તારીખ 12 સોમવાર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ સંક્રમિતોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઠાસરાની તમામ સરકારી કચેરીઓમાં ટેસ્ટિંગ કરવાની જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા ડાકોર તેમજ ગળતેશ્વર તાલુકામાં કોરોના સર્વેલન્સની અને કન્ટેનમેન્ટ ઝોનમાં તાલુકાના પોલીસ, વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને હાજર રાખી સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. હાલ હાઈરિસ્ક કેટેગરીની ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. તેમાં વિશેષ રૂપે સુપર સ્પ્રેડરની ખાસ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેની ખાસ જિલ્લા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી.