ખેડાઃ જિલ્લા LCBને નડીયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીને આધારે LCB દ્વારા રેઈડ કરી બે ઈસમોને મેચ પર સટ્ટો રમાડતા ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા હાલ તેમની સાથે સંડોવાયેલા લોકોને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડા LCB દ્વારા ચોક્કસ બાતમીને આધારે નડીયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખુશ્બુ ટાઉનશીપના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મકાન નંબર B8માં આકાશ ઉર્ફે કિશન પટેલ દ્વારા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના એન્ડ્રોઈડ ફોનથી IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો.
ટીવી પર મેચ જોઈ પોતાના ફોનથી ગ્રાહકો પાસે જુગાર રમાડવામાં આવતો હતો. જેને લઈ સટ્ટો રમાડતા આકાશ પટેલ તેમજ ફરઝાન અહેમદ ઉર્ફે જોન્ટી અન્સારીને ઝડપી પાડવામાં આવ્યા હતા. LCBએ બન્ને આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, ટીવી તેમજ સેટટોપ બોક્સ સહિતનો મુદ્દામાલ ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.