કઠલાલ શહેરના બોરડી સીમ વિસ્તારમાં રહેતા આરોપી ઠાકોર ભાઈ પૂનમભાઈ તળપદાએ ડિસેમ્બર 2015માં તેના જ વિસ્તારમાં રહેતી સોળ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. રાત્રીના સમયે દુષ્કર્મ કરવાના ઇરાદે જ યુવતીને પોતાની સાથે ભગાડી લઈ ગયો હતો. આરોપીએ 20 દિવસ સુધી યુવતીને પોતાની સાથે અજ્ઞાત સ્થળે રાખી હતી અને તેની મરજી વિરૂદ્ધ વારંવાર તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાબતે કઠલાલ પોલીસ મથકે જે તે સમયે ગુનો દાખલ થયો હતો. સમગ્ર ગુના બાબતે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને દસ વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે.
સરકારી વકીલ પ્રેમ તિવારી દ્વારા ધારદાર રજૂઆતો કરી આરોપીને સખત સજાની માગ કરવામાં આવી હતી. આ કેસ બાબતે સરકારી વકીલ તરફથી 17 જેટલા સાહેદોના પુરાવા અને 16 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેને ધ્યાન પર લઈ જજ એમ.એ. કડીવાલાએ આરોપી ઠાકોર ભાઈ પૂનમભાઈ તળપદાને દુષ્કર્મ ગુજારવાના કેસમાં 10 વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.
તેમજ સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાના કેસ એટલે કે, પોસ્કોની કલમ અંતર્ગત 10 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડતો ચૂકાદો આપવામાં આવ્યો છે.