જૂનાગઢ: આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં આવેલા દાતાર પર્વત પર 3200 ફૂટની ઊંચાઈ પર યુવાનો દ્વારા યોગ ક્રિયા કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
3200 ફૂટની ઊંચાઈ પર ઉજવણી: આજે સમગ્ર વિશ્વમાં નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં આવેલા અને સમુદ્રના તટથી 3200 ફૂટ ઊંચાઈ એ દાતાર પર્વત પર યુવાનો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે અત્ર તત્ર સર્વત્ર જાણે કે યોગનો માહોલ ઊભો થયો હોય તે પ્રકારે દાતાર પર્વત પર પણ 3200 ફૂટની ઊંચાઈ પર યુવાનો યોગ ક્રિયા કરતા જોવા મળ્યા હતા. જ્યારથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે. ત્યારથી જુનાગઢના યુવાનો દ્વારા દાતાર અને ગિરનાર પર્વત પર યોગ ક્રિયાઓના આસન કરીને અનોખી રીતે યોગ દિવસની ઉજવણી આવે છે. ત્યારે આ વર્ષે દાતાર પર્વત પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સોમનાથ ખાતે ઉજવણી: વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પણ કરવામાં આવી હતી. અહીં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ યોગ્ય ક્રિયામાં ભાગ લઈને સોમેશ્વર મહાદેવની સાક્ષીએ તંદુરસ્તી અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે યોગ ક્રિયામાં ભાગ લીધો હતો. તો બીજી તરફ સોમનાથમાં આવેલ સંસ્કૃત યુનિવર્સિટીમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પણ શાળા યુનિવર્સિટી ના અધ્યાપકો વિદ્યાર્થીઓની સાથે સંસ્કૃત આચાર્ય પણ જોડાયા હતા. સંસ્કૃત અને યોગનો એક અનોખો સમન્વય આજના દિવસે સર્જાયો હતો.