જૂનાગઢ: 10મી સપ્ટેમ્બરને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વર્તમાન સમયમાં સતત વધી રહેલા માનસિક તાણને કારણે આત્મહત્યાના કિસ્સાઓ અને પાછલા કેટલાક મહિના દરમિયાન સામુહિક આત્મહત્યાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે જૂનાગઢના મનોચિકિત્સક ડો સોહમ બુચના કહ્યા પ્રમાણે આવા કિસ્સાને ઘટાડવા માટે સમાજ જીવનમાં સકારાત્મક કિસ્સાને પ્રોત્સાહિત કરવામાં આવે તો નકારાત્મકતાને કારણે થતી આત્મહત્યાના કિસ્સામાં ચોક્કસપણે નિયંત્રણ લાવી શકાય છે.
આધુનિક યુગમાં વધી રહ્યા છે કિસ્સાઓ: મોબાઇલ ક્રાંતિના જમાનામાં આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આર્થિક અસમાનતા, બેરોજગારી પરિવારનું ભરણપોષણ અને કેટલાક કિસ્સામાં સોશિયલ મીડિયામાં મળી રહેલા પ્રતિભાવો તેમજ અભ્યાસનું ભારણ અથવા તો બાળકો પરિણામ પૂર્વે કે બાદ નાસીપાસ થાય છે. જે વર્તમાન, આધુનિક અને ટેકનોલોજીના યુગમાં સૌથી મોટી ચિંતાનો વિષય છે. આધુનિક યુગમાં સૌ કોઈ તુરંત પરિણામોની અપેક્ષાઓ રાખી રહ્યા છે. કોઈપણ વ્યક્તિને મનવાંચ્છિત પરિણામ ન આવે આવા કિસ્સામાં ખૂબ જ ઉશ્કેરાટ અને તાણની પરિસ્થિતિમાં જેતે વ્યક્તિ કે સમગ્ર પરિવાર આત્મહત્યા કરતા હોય છે જેને ઘટાડવા જરૂરી છે.
સામાન્ય થઈ રહ્યા આત્મહત્યાના કિસ્સા: જૂનાગઢના મનોચિકિત્સક ડો સોહમ બુચે ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આત્મહત્યાના કેસો ખૂબ વધી રહ્યા છે. જેને કારણે આત્મહત્યા જેવા ખૂબ જ ગંભીર બનાવો સમાજ જીવનમાં સામાન્ય બનતા જાય છે. એક સમયે જિલ્લામાં આત્મહત્યા થાય તો લોકો ખૂબ જ શોકાતુર થતા હતા પરંતુ આજે પાડોશમાં આત્મહત્યાના બનાવોની પણ સમાજ જીવનમાં કોઈ અસર થતી નથી.
'જેટલા કિસ્સા આત્મહત્યાના પ્રકાશમાં આવે છે અથવા તો તેને માધ્યમોમાં જગ્યા અપાઈ રહી છે તેની સરખામણીએ અનેક લોકો આત્મહત્યા કરવાના વિચારોથી સારવાર મેળવીને ફરી પાછા સમાજ જીવનના ભાગ બની રહ્યા છે જેનું પ્રમાણ ખૂબ ઊંચું છે. પરંતુ આવા હકારાત્મક કિસ્સાઓને માધ્યમોમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. આવા કિસ્સાઓને પણ બહાર લાવવા જોઈએ જેથી લોકો સમજી શકે છે આ સામાન્ય ઘટના છે.જેનો ઈલાજ કરીને ફરી સામાન્ય જીવન જીવી શકાય છે.' - ડો સોહમ બુચ મનોચિકિત્સક
ખેડૂતોમાં આત્મહત્યાનો દર કેમ વધુ: આત્મહત્યાના દરમાં ખેડૂત સમાજ સમગ્ર દેશમાં સૌથી મોખરે છે. ખેડૂતો પોતાના કૃષિપાકને બચાવવા અથવા તો આર્થિક ધિરાણની મનોવ્યાથા વચ્ચે આત્મહત્યા કરતા હોય છે. પાછલા કેટલાક સમયમાં યુવાનોમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. યુવાનોનું જીવન ધોરણ ઉચું અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં મળતા પ્રતિભાવોને કારણે નાસીપાસ થઈને કેટલાક યુવાનો આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે.
યુવાનોમાં ડિપ્રેશન મોટું કારણ: યુવાનોના આત્મહત્યાના કેસ પાછળ પ્રેમ પ્રકરણ અથવા તો મનવાચ્છિત પાત્ર નહીં મળવાને કારણે પણ આત્મહત્યા થતી હોય છે. પાછલા કેટલાક વર્ષોમાં પરિણામો બાદ કે પૂર્વે વિદ્યાર્થીઓ સારા કે અપેક્ષિત પરિણામ નહીં આવતાં આત્મહત્યાને રસ્તે જતા હોય છે જે પણ ખૂબ ચિંતાજનક છે. આ માટે યુવાનોને હંમેશા હકારાત્મક માહોલ મળે તેવો પ્રયત્ન કરવો જોઈએ. વાલીઓએ પણ તેમના સંતાનોને વધુ પડતાં દબાણનો અહેસાસ ન કરાવવો જોઈએ