જૂનાગઢ : આજે આખું જગત ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આજથી દાયકાઓ પહેલા જૂનાગઢના નવાબ દ્વારા આફ્રિકાથી મજૂરી કામ માટે સિદ્દી આદિવાસીઓને બોલાવવામાં આવ્યા હતા. અહીં આવ્યા બાદ જાંબુર ગામને જ પોતાની કર્મ અને માતૃભૂમિ બનાવીને અહીં દૂધમાં સાકર જેમ ભળે તેમ ભળીને તાલાલાના જાંબુર ગામમાં વસવાટ કરી રહ્યા છે.
જાંબુરને ગુજરાતનું આફ્રિકા પણ કહેવામાં આવે છે. અહીં આવ્યા બાદ માત્ર અડધો હેકટર જમીનમાં હિરબાઈ દ્વારા રેડિયો પરથી ખેતી વિષયક માહિતી મેળવીને પોતાની અડધો હેકટર જમીન પર બાગાયતી ખેતીની શરૂઆત કરી હતી. જેમાં કામ માટે હિરબાઈએ આદિવાસી સિદ્દી મહિલાઓને ખેતીકામ પર રાખીને આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત ડગ ઉપાડી લીધું હતું. જે આજે સિદ્દી મહિલાઓના આર્થિક વિકાસમાં મહત્વનું સાબિત થઇ રહ્યું છે અને આજે ગામની આદિવાસી મહિલાઓ લાકડા કાપવા જેવા કામને છોડીને સ્વમાનભેર મહેનત કરીને રોજગારી મેળવી રહી છે.
અતિ પછતા ગણાતા એવા સિદ્દી આદિવાસી સમાજના સામાજિક અને આર્થિક ઉથ્થાન માટે હિરબાઇ લોદીને 4 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. જેમાં મળેલી રકમ ગામના અને ખાસ કરીને સિદ્દી સમાજના ઉથ્થાન માટે ઉપયોગમાં આવે તે માટે ગામના વિકાસ ફંડમાં આપીને દાનવીરની ભૂમિકામાં પણ જોવા મળી રહ્યા છે.
આજથી 5 દાયકા પહેલા હિરબાઈ આદિમાનવની જેમ લાકડા કાપી જીવન ગુજારવા માટે મજબૂર હતા, પણ પોતાના પછાત સમાજને આવા દિવસોમાં તેઓ જોવા માગતા ન હતા. સિદ્દી આદિવાસી મહિલાઓ સમાજની તિરસ્કારનો ભોગ પણ બનતી રહી હતી. આવા લોકોની સામે અવાજ ઉઠાવવાણી હિમ્મત હિરબાઈએ કરી અને તેમના સમાજની અન્ય મહિલાઓ પણ સ્વાવલંબી બને અને રોજીરોટી કમાઈ શકે તે માટે હિરબાઈએ પોતાના ખેતરમાં બાગાયતી ખેતીની સાથે અન્ય કામોમાં પણ રોજગારી મળી શકે છે, તેને લઈને માર્ગદર્શન પૂરું પાડતા આજે સિદ્દી આદિવાસી મહિલાઓ પણ રોજગારી મેળવીને પગભર જોવા મળી રહી છે.
હિરબાઈએ પોતે નિરક્ષર હતા, પરંતુ તેમની આ કમી તેમના પર ક્યારેય જોવા મળી ન હતી અને તેમની કોઠાસૂઝથી શિક્ષણનું મહત્વ સમજીને ગામના દરેક બાળકને શિક્ષણ મળે તે માટે તેઓ આજે પણ સતત પ્રયત્નશીલ જોવા મળે છે. હિરબાઈનું સ્વપ્ન છે કે, માત્ર સિદ્દી સમાજ જ નહીં, પરંતુ સર્વે પછાત તેમજ આદિવાસી સમાજ આગળ આવે અને આધુનિક સમાજ જીવનનો ભાગ બને. તેના માટે સારુ શિક્ષણ સામાજિક અને આર્થિક પછાત લોકો પોતાના પગ પર ઉભા રહી શકે અને દુનિયાની સાથે કદમ મિલાવી શકે, તેવા પ્રયાસો હિરબાઈ કરી રહ્યા છે.
હિરબાઈ મીડિયા પ્રત્યે પણ આભારની લાગણી પ્રદર્શિત કરતા કહે છે કે, મને મીડિયાએ સમગ્ર દુનિયામાં જાણીતી કરી છે. મારી કામગીરીને ખરા અર્થમાં આમ અને ખાસ લોકો સુધી પહોંચાડી છે. આજે 70 વર્ષની ઉંમરે પણ સમાજહિત માટે દિવસ રાત કામ કરતા હિરબાઈને વિશ્વ ગ્રામીણ મહિલા દિવસે કોટાકોટી વંદન...