આજે વિશ્વ સાયકલ દિવસ : આજે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે જૂનાગઢના બીપીન જોશી અનોખા સાયકલ પ્રત્યે પ્રેમ ધરાવે છે. છેલ્લા 50 વર્ષથી સાઇકલ ચલાવીને વાતાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાની સાથે પરિવારને આર્થિક રીતે સહાય કરી શકાય તે માટે સાયકલનો સતત ઉપયોગ કરી રહ્યા છે. બીપીન જોશી એક વખત સાઇકલ લઇને બાર જ્યોતિર્લિંગની યાત્રા પણ સફળતાપૂર્વક પૂરી કરી છે. સાઈકલને પોતાના જીવનસાથી તરીકે ગણતા બીપીન જોશીએ સાયકલ ચલાવવાથી અનેક ફાયદોઓ કહ્યા છે.
સાઇકલ ચલાવવાથી શરીરના અંગોને કસરત મળવાની સાથે પરિવારને આર્થિક રીતે મદદ કરી શકાય છે. પ્રત્યેક સરકારી કચેરીમાં એક દિવસ તમામ કર્મચારીથી લઇને અધિકારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માત્ર એક દિવસ સાઇકલ લઇને કચેરી અને શાળા તેમજ કોલેજ આવે તો પ્રદૂષણની વૈશ્વિક સમસ્યાને દૂર કરવામાં ખૂબ સહાયતા મળી શકે તેમ છે. સાઈકલના ઉપયોગથી પેટ્રોલિયમ પદાર્થનો ઉપયોગ પણ ઘટશે. જેના કારણે તેના ભાવોમાં પણ હકારાત્મક ઘટાડો આવશે. જેના કારણે વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવાની સાથે આર્થિક રીતે સાયકલ પ્રત્યેક પરિવારને સધ્ધરતા આપશે, ત્યારે આજે સાયકલ દિવસ નિમિત્તે સૌ કોઈ સાઈકલને દૈનિક જીવનનો ભાગ બનાવે તેવી અપીલ. - બીપીન જોષી (સાયકલ પ્રેમી)
જોશીને વ્યક્તિગત સાયકલથી ફાયદા : જૂનાગઢમાં સરકારી કર્મચારી તરીકે કામ કરતા બીપીન જોશી છેલ્લા 50 વર્ષથી સાયકલને પ્રવાસનું એકમાત્ર માધ્યમ બનાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે તેઓ 50 વર્ષમાં ક્યારેય બીમાર થયા નથી. તેઓએ બીમારીને લઈને કોઈપણ પ્રકારની દવાનો સહારો લેવો પડ્યો નથી. સાયકલથી શરીરના તમામ અંગોને પૂરતા પ્રમાણમાં વ્યાયામ મળી જાય છે. તે પ્રદૂષણને ઘટાડવાની સાથે સતત મોંઘા થઈ રહેલુ પેટ્રોલિયમ કોઈપણ વ્યક્તિના બજેટને ખોરવી નાખે છે, ત્યારે સાયકલ પેટ્રોલિયમમાં થતા ખર્ચમાંથી રાહત અપાવે છે. શારીરિક, માનસિક અને આર્થિક આ તમામ પ્રકારના ફાયદા સાયકલમાં સમાયા છે, ત્યારે સૌ કોઈ અઠવાડિયામાં એક વખત સાયકલના વપરાશ ને સુનિશ્ચિત કરે તો પ્રદૂષણની સાથે બીજી અનેક સમસ્યાઓમાં ઘટાડો પણ કરી શકાય તેમ છે.