- જૂનાગઢના વેપારીનું વોટ્સએપ એકાઉન્ટ થયું હેક
- વેપારીના નામે તમામ લોકોને હપ્તાના મેસેજ કરાયા
- વેપારીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ શહેરના લીમડાચોક નજીક ટાવર રોડ પર સ્ટેશનરીની દુકાન ધરાવતા વેપારીને પોતાનો વોટ્સએપ નંબર હેક થયો હોવાનું માલુમ પડ્યું હતું. આ નંબર ઉપરથી અજાણી વ્યકિતએ તમારી લોનની રકમ તાત્કાલિક ચૂકવી આપો નહીંતર પેનલ્ટી લાગશે તેવા ખોટા મેસેજ વાયરલ કર્યા હતા. ત્યારબાદ સવારના 11 વાગ્યે વોટ્સએપ બંધ થઈ ગયું હતું. જોકે, આ નંબર પર ગુજરાત મહારાષ્ટ્ર યુ.પી સહિતના રાજ્યોમાંથી અનેક લોકોના ફોન કોલ્સ તથા મેસેજ આવ્યા હતા.
કેટલાક લોકોએ રકમ ભરી દીધી હોવાના મેસેજ કર્યા હતા
અમુક લોકોએ અમે પૈસા ભરીએ છીએ તેવી જાણ કરતા વેપારીએ આ ફેક મેસેજ હોવાનું જણાવી પૈસા ન ભરવા લોકોને ચેતવ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ રકમ ભરી દીધી હોવાના મેસેજ કર્યા હતા. દરમિયાન પાંચ કલાક બાદ વોટ્સએપ ફરી શરૂ થયું હતું. પોતાના મોબાઈલ નંબરનો ગેરઉપયોગ કરી લોકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવવાની પ્રવૃત્તિની આશંકા વ્યક્ત કરી વેપારીએ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. આ બાબતની તપાસ માંગરોળ પોલીશ ચલાવી રહી છે.