ગીરી તળેટીમાં આવેલા દામોદર કુંડમાં હવે ગરમ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શિયાળાની ઋતુને ધ્યાને લઇને અહીં પવિત્ર સ્નાન માટે આવતા વયોવૃદ્ધ યાત્રાળુ અને શિયાળાની ઠંડીમાં સ્નાન કરવા માટે જે પ્રકારે અગવડતા પડી રહી હતી તેને ધ્યાને લઇને જૂનાગઢના ખીમાણી પરિવારે દામોદર કુંડમાં 2 ગરમ પાણીના વોટર ગીઝરનું દાન કર્યુ છે.
આ ગીઝરની મદદથી અહીં આવતા વયોવૃદ્ધ યાત્રાળુને ગરમ પાણીની સુવિધા મળી રહેશે. ગિરી તળેટીમાં આવેલા દામોદર કુંડમાં દેશ અને દુનિયામાંથી ભાવિકો પવિત્ર સ્નાન અને ધાર્મિક વિધિ માટે આવતા હોય છે, ત્યારે અહીં આવતા કેટલાક વયોવૃદ્ધ યાત્રિકો ખાસ કરીને શિયાળાની ઠંડીમાં ખૂબ જ અગવડતાનો સામનો કરતા હોય છે.
કેટલાક તાંત્રિકો શિયાળા દરમિયાન દામોદર કુંડમાં અતિ ઠંડા પાણીને કારણે અહીંથી સ્નાન કર્યા વગર પરત ફરતા હતા. જેને ધ્યાને રાખીને દામોદર કુંડમાં ગરમ પાણીના ગીઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ શિયાળાની ઋતુ દરમિયાન વૃદ્ધ યાત્રિકોને મળી રહેશે.