સમગ્ર એશિયામાં એક માત્ર ગીરના જંગલોમાં મુક્ત મને વિહરતા જોવા મળતા સિંહો પણ આજથી વેકેશનમાં જઈ રહ્યા છે. આવતી કાલથી સાસણ સફારી પાર્ક સાંજથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી રહ્યું છે. જે આગામી 15મી ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે. ગીરના સિંહોને જોવા માટે દેશ અને દુનિયાભરથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણ આવતા હોય છે ત્યારે હવે ફરીથી પ્રવાસીઓને સિંહ દર્શન કરવા માટે 4 મહિના જેટલા સમયની રાહ જોવી પડશે.
15મી જૂનથી ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી જાય છે જેને લઈને જંગલમાં પ્રવાસીઓને લઇ જવા તેમજ સિંહ દર્શન કરાવવા ખુબ જ મુશ્કેલ ભર્યું કામ માનવામાં આવે છે. તેમજ આ 4 મહિના સિંહ સહિતના દીપડા, હરણ, ચિંકારા, નીલગાય તેમજ બીજા અન્ય કેટલાક પ્રાણીઓનો સંવવન કાળ હોય છે તે દરમિયાન માનવીય ખલેલ ના પહોંચે તેને ધ્યાને રાખીને 4 મહિના સુધી સાસણ સફારી પાર્કને બંધ રાખવામાં આવે છે.
4 મહિના બંધ રહયા બાદ સાસણ સફારી પાર્ક 16મી ઓક્ટોબર 2019ના દિવસે ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે ત્યારે ફરીથી પ્રવાસીઓ ઓનલાઈન પરમીટ કઢાવીને સિંહ દર્શન કરી શકશે. આ 4 મહિના દરમિયાન સાસણ નજીક આવેલું દેવળીયા પાર્ક બુધવારને બાદ કરતા ખુલ્લું રાખવામાં આવે છે, જેનો અહીં આવતા પ્રવાસીઓ લાભ લઇ શકે છે.