જૂનાગઢઃ આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર બહુ રાજ્ય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. જૂનાગઢની બજારોમાં મકરસંક્રાંતિના પૂર્વે ખંભાતની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી બનેલી પતંગો વેચાણ અર્થે આવી રહી છે. આ વર્ષે પ્લાસ્ટિકની પતંગોની સામે કાગળમાંથી બનતી પતંગો(પેપર કાઈટ્સ) પણ ખૂબ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જેના પરિણામે પ્લાસ્ટિક પતંગોથી થતાં પર્યાવરણ પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
બહુ રાજ્ય તહેવારઃ આગામી રવિવારે મકરસંક્રાંતિનો તહેવાર છે. ધીરે ધીરે પતંગ દોરી અને ટુકક્લ જેવી અન્ય ચીજ વસ્તુઓની બજાર ધમધમી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખંભાતની પતંગો અને સુરતના માંજાની વિશેષ ઉપલબ્ધિ જોવા મળી છે. તેની સાથે સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ માં બનેલી પતંગો જૂનાગઢની બજારમાં જોવા મળી રહી છે. આ વર્ષની ઉતરાયણમાં ખાસ કરીને પતંગો વેચવામાં ગુજરાતની સાથે અન્ય પાડોશી રાજ્યોએ પણ ઝંપલાવ્યું છે.
40 ટકા સુધીનો ભાવ વધારોઃ જો કે આ વર્ષે ગત વર્ષ કરતા પતંગ, દોરી, ટુકક્લ વગેરે જેવા ઉત્તરાયણના મોજ મજાની ચીજવસ્તુઓમાં 20થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે જે પતંગ 100 રુપિયાની 5 મળતી હતી તે પતંગ આજે 125 થી 130 રૂપિયાના દરે વહેંચાઈ રહી છે. તેવી જ રીતે દોરીમાં પણ 20 થી 40 ટકા નો વધારો થયો છે.
પેપર કાઈટ્સની ડિમાન્ડ વધુઃ વર્ષો પૂર્વે એક માત્ર કાગળમાંથી જ બનેલી પતંગો ચગાવવાની પરંપરા જોવા મળતી હતી. જે ધીમે ધીમે પ્લાસ્ટિકની પતંગોમાં પરિવર્તિત થઈ હતી. પાછલા કેટલાક વર્ષો દરમિયાન કાગળની પતંગોને શોધવી પણ ખૂબ મુશ્કેલ હતી. જો કે આ વર્ષે પેપર કાઈટ્સ મામલે હકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે. પતંગ બજારમાં મોખરાનું સ્થાન ધરાવતા ખંભાતને હવે ટક્કર આપવા માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી પણ કારીગરો દ્વારા પેપર કાઈટ્સનું વેચાણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે. અન્ય રાજ્યો માંથી આવતી પેપર કાઈટ્સ, પતંગમાં વપરાતા પ્લાસ્ટિકના પ્રદૂષણના વિકલ્પ રૂપે પણ અપનાવવામાં આવી રહી છે. કાગળ માંથી બનેલી આ પતંગો આ વર્ષની ઉતરાયણમાં વિશેષ ધ્યાન પણ ખેંચી રહી છે.
પતંગ બજારમાં હવે ખંભાત સિવાય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી પણ પતંગો વેચાણ અર્થે આવી રહી છે. પેપર કાઈટ્સની ડિમાન્ડ વધી છે. પતંગ-દોરીમાં 20થી 40 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે...સાગર(પતંગના વેપારી, જૂનાગઢ)