જુનાગઢ : માણાવદર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે. પરંતુ પાછલા એક મહિના કરતાં વધુ સમયથી મધ્યાહન ભોજનમાં આપવામાં આવતી તુવેર દાળ ગાયબ જોવા મળે છે. સમગ્ર મામલાને લઈને ETV BHARAT ટીમે માણાવદરના પુરવઠા મામલતદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન મામલતદાર ડી.એમ. જેઠવાએ આ અંગે માહિતી આપી હતી.
દાળનો જથ્થો : પુરવઠા મામલતદારે જણાવ્યું કે, સમગ્ર તાલુકામાં મધ્યાન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતું અનાજ અને દાળના જથ્થાની કોઈ ઉણપ કે ઘટ જોવા મળતી નથી. પરંતુ સરકારી નિયમ અનુસાર જ્યાં સુધી અનાજ કે તુવેરદાળના લેબોરેટરી પરીક્ષણનો અંતિમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી અનાજ કે તુવેર દાળ બાળકોને મધ્યાહન ભોજન યોજનામાં આપી શકાય નહીં. જેના કારણે પાછલા એક મહિના કરતાં વધુ સમયથી મધ્યાહન ભોજનમાં બાળકોને તુવેર દાળ આપવામાં આવતી નથી.
તાલુકામાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતી એક પણ ખાદ્ય ચીજોની અછત કે જથ્થો નહીવત હોવાની વાત તથ્યથી વેગળી છે. પરંતુ જ્યાં સુધી સરકાર કોઈ પણ ખાદ્ય ચીજ વસ્તુઓનો અંતિમ રિપોર્ટ તાલુકામાં ન મોકલે, ત્યાં સુધી આવી તમામ ચીજ વસ્તુઓ બાળકોને ભોજનમાં આપવામાં આવતી નથી. તુવેર દાળનો રિપોર્ટ હજુ સુધી સરકારે મોકલ્યો નથી. જેથી મધ્યાહન ભોજનમાં તુવેર દાળ આપવામાં આવતી નથી.-- ડી.એમ. જેઠવા (પુરવઠા મામલતદાર, માણાવદર)
ગુણવત્તાના ધારાધોરણ : રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે તકેદારી રાખવામાં આવે છે. અનાજ તેમજ અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તાને લઈને ચોક્કસ ધારાધોરણ નક્કી કર્યા છે. તે મુજબ બાળકોને આપવામાં આવતા અનાજ અને દાળ સહિત તમામ ખાધ ચીજોનો લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવે છે. આ રિપોર્ટ સંપૂર્ણપણે ન આવે ત્યાં સુધી બાળકોને મધ્યાન ભોજનમાં આવી ચીજ-વસ્તુઓ આપવામાં આવતી નથી.
સરકારી નિયમ : તુવેરદાળના લેબોરેટરી રિપોર્ટ હજુ સુધી રાજ્ય સરકારે મોકલ્યો નથી. તેથી મધ્યાહન ભોજનમાં બાળકોને તુવેર દાળ મળતી નથી. ઉલ્લેખનિય છે કે, સમગ્ર તાલુકામાં તુવેર દાળનો જથ્થો પૂરતા પ્રમાણમાં હાજર છે. પરંતુ જ્યાં સુધી અંતિમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને બાળકોને ભોજન માટે આપી શકાય નહીં આવો સરકારી નિયમ છે. આ સિવાયની તમામ ચીજ વસ્તુઓ જે સરકારી ધારાધોરણ મુજબ મધ્યાહન ભોજનમાં આપવાનો નિર્દેશ કર્યો છે. તે તમામ ચીજો બાળકોને ભોજનમાં આપવામાં આવી રહી છે.
કોઈપણ બાળક કે વ્યક્તિના વિકાસમાં પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે ત્યારે શાકાહારી ભોજન ધરાવતા બાળકોમાં કઠોળ અને તમામ પ્રકારની દાળ પ્રોટીનના એક સૌથી મજબૂત સ્ત્રોત તરીકે લેવામાં આવે છે કઠોળ અને તમામ વર્ગના દાળોમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે જે પ્રકારે માંસાહારી લોકો માસ માછલી કે ઈંડા માંથી પ્રોટીન પ્રાપ્ત કરતા હોય છે તેવી જ રીતે શાકાહારી લોકો માટે દાળ અને કઠોળ પ્રોટીનના સર્વોત્તમ આહાર તરીકે મનાય છે જેથી બાળકોને પ્રોટીનના પ્રચુર સ્ત્રોત તરીકે દાળ આપવામાં આવે છે. - ડોક્ટર સતાણી, માણાવદર