સૌરાષ્ટ્ર હવે ખેત જણસોમાં ભેળસેળ કરવા માટે બદનામ થતું જોવા મળી રહ્યું છે. રાજકોટ ગોંડલ અને પેઢલામાં મગફળીમાં મોટા પાયે ભેળસેળ બહાર આવી હતી. ત્યાર બાદ ગોડાઉનમાં આગને કારણે સમગ્ર કૌભાંડને દબાવી દેવાની વાતો પણ બહાર આવી હતી. ત્યારે સમગ્ર મામલાને લઈને રાજ્ય સરકાર દ્વારા જવાબદારો સામે પગલાં ભરવાની વાતો કરવામાં આવી હતી. તેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. ત્યાં ફરી એક વખત તુવેરની ખરીદી બાદ તેમાં ભેળસેળનો મામલો કેશોદમાંથી બહાર આવ્યો છે. જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
દિવાળી બાદ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદ કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને કેશોદ યાર્ડમાંથી 3241જેટલી ગુણીની ખરીદ કરીને જેતપુર નજીક વેર હાઉસિંગના ગોડાઉનમાં રાખવામાં આવી હતી. જેમાં નાફેડના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા હલકી ગુણવતાની તુવેર જણાઈ આવતા ખરીદ કરવામાં આવેલી તુવેર પરત તપાસ કરવામાં આવી હતી. જેને લઈને હવે મામલો ગરમાઈ રહ્યો છે.
આજે પુરવઠા નિગમના મેનેજીગ ડાયરેક્ટર મનીષ ભારદ્વાજ અને જૂનાગઢ જિલ્લા કલેકટર કેશોદ યાર્ડમાં સ્થળ તપાસ કરીને જે 7 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તે તમામ સામે આકરા પગલાં ભરવામાં આવશે તેમજ સમગ્ર મામલાને લઈને આગામી દિવસોમાં તપાસ પૂર્ણ કરીને સરકારમાં તેનો રિપોર્ટ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
કેશોદ યાર્ડમાંથી 1130 જેટલા ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જે પૈકી 505 જેટલા ખેડૂતોને તેનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવતા સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે. કેશોદ યાર્ડમાંથી 1900 ટન તુવેરની ક્રીડ કરવામાં આવી છે. જેની કિંમત અંદાજિત કિંમત 10 કરોડ 70 લાખની આસપાસની છે. સમગ્ર મામલો વધુ ગુચવાતો જઈને રાજ્ય સરકાર પ્રધાન જયેશ રાદડિયા પણ ચોકી ગયા હતા. તાબડતોબ પત્રકાર પરિસદ બોલાવીને મામલાના દોષિતોને સજા કરવાની વાત કરી હતી. જ્યારે પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલભાઈ આંબલીયાએ નકારીને સરકારની મિલી ભગતથી સમગ્ર કૌભાંડ થયું હોવાનો આક્ષેપ સરકાર પર લગાવ્યો હતો.
મગફળીમાં જ્યારે ભેળસેળ થઇ હતી. ત્યારે પણ વેરહાઉસિંગના ગોડાઉનો શંકાના દાયરમાં આવ્યા હતા. હવે જ્યારે તુવેરમાં કૌભાંડ થયું છે. ત્યારે ફરી એક વખત વેર હાઉસિંગનું ગોડાઉન ચર્ચામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના યાર્ડમાંથી કૃષિ જણશોની ખરીદી થયા બાદ વેર હાઉસિંગના ગોડાઉનમાં રાખવામાં આવતા હોય છે. ત્યાં નાફેડના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા ખરીદ કરવામાં આવેલી કૃષિ જણશોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ બહાર આવે છે. ત્યારે વેર હાઉસિંગના ગોડાઉનો ભેળસેળ કરવા માટેના અડ્ડાઓ બની રહયા હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.