જેને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેવા ગીરનારની ભૂમિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકરૂપ સમાન ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકાનું પૂજન અનાદિ કાળથી કરવામાં આવી રહ્યું છે. ગીરનારની ભૂમીને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન માન્યતા અનુસાર હજારો વર્ષો પહેલાં ભગવાન દત્તાત્રેએ ગિરનારની ભૂમિ પર તપ કર્યું હોવાને કારણે અહીંની ભૂમિને ગુરુ દત્તાત્રેયની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.
જુનાગઢમાં આવેલો ગીરનાર પર્વત જેને હિમાલયથી પણ પ્રાચીન માનવામાં આવે છે તેવા ગીરનાર પર્વત પર બિરાજમાન છે ગુરુ દત્તાત્રેય. ગીરનાર ક્ષેત્રમાં નવનાથ ચોસઠ જોગણી અને ચોર્યાસી કોટી દેવતાઓની હાજરી પણ જોવા મળે છે. ગીરનાર પર્વતની ટોચ પર આવેલા ગુરુ દત્તાત્રેય મંદિરમાં આજે પણ દત્તાત્રેય મહારાજની ચરણ પાદુકાનું પૂજન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે.
કહેવાય છે કે, યુગો પહેલાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના માતા અનસૂયા પાસે દૂધની ભિક્ષા માગવા જતાં માતા અનસૂયાએ ત્રણેય દેવોને બાળસ્વરૂપ બનાવીને તેમને દૂધની ભિક્ષા આપી હતી. ત્યારબાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પત્નીઓએ માતા અનુસૂયા પાસે આવીને તેમના પતિને બાળક સ્વરૂપમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. બાદમાં સતી અનસૂયાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકાકાર રૂપે ભગવાન દત્તાત્રેયને જન્મ આપ્યો હતો. અહીં વર્ષોથી ગુરુ દત્તાત્રેય જયંતીના દિવસે ભગવાન દત્તાત્રેયની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં ભવનાથ ક્ષેત્રના ગાદીપતિ અને શિવના સૈનિક તરીકે ઓળખાતા સાધુઓ પણ ભાગ લે છે, અને દામોદર કુંડમાં સ્નાન કરી ભગવાનને પણ સ્નાન કરાવી પરત જૂના ખાડામાં સ્થાપિત કરે છે.