જૂનાગઢ : કોરોના વાયરસને કારણે સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓ હવે આગામી 25 તારીખથી શરૂ થવા જઈ રહી છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી 25મી તારીખથી સ્થગિત કરવામાં આવેલ પૈકી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે જે દિશા નિર્દેશો આપ્યા છે. તે મુજબ આગામી 25 તારીખથી પરીક્ષાઓ શરૂ કરવાનું આયોજન નરસિંહ મહેતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આગામી 25થી નરસિંહ મહેતા યુનિવર્સિટીના ત્રીજા વર્ષની પરીક્ષાઓ શરૂ થશે આ પરીક્ષાઓ પ્રથમ વખત ઝિગઝેગ બેઠક વ્યવસ્થા મુજબ લેવામાં આવનારી છે. પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન ન થાય તે માટે એક પરીક્ષા કેન્દ્ર પર 250 કરતાં વધુ વિદ્યાર્થીઓને સમાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્ર પર સેનીટાઈઝર, હેન્ડ ગ્લોઝ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ દરેક વર્ગખંડમાં સેનીટાઈઝર વડે જંતુમુક્ત કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. દરરોજ સવાર અને બપોર બાદ પેપર લેવાની વ્યવસ્થા યુનિવર્સિટીએ કરી છે. કોરોના વાયરસના કહેરની વચ્ચે આગામી 25થી નરસિંહ મહેતા યુનિવર્સિટીના ત્રીજા વર્ષની પરીક્ષાઓ શરૂ જેમાં પ્રથમ તબક્કામાં બી.એ ત્યારબાદ બી.કોમ અને બી.એસ.સી એમ ત્રણેય વિદ્યાશાખાની અલગ-અલગ દિવસોમાં પરીક્ષા યોજવાનું આયોજન પણ યુનિવર્સિટીએ કર્યું છે. જે આગામી 25મી તારીખથી શરૂ થશે.