જૂનાગઢ: 8 ગુજરાત બટાલિયન દ્વારા ગિરનાર તળેટીમાં આવેલા પંડિત દિન દયાલ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રમાં NCCના રાષ્ટ્રીય કેમ્પનું આયોજન થયું છે જેમાં ઉચ્ચ તાલીમ મેળવી રહેલા અને ખૂબ જ ચુનંદા 85 જેટલા કેડેટ્સ તાલીમ કેમ્પમાં ભાગ લેશે. આગામી 10 દિવસ સુધી તાલીમ કેમ્પનું આયોજન થયું છે. આ તાલીમ કેમ્પમાં પર્વતારોહણની સાથે મહત્વના પરિબળો જેવા કે શિસ્ત, અનુશાસન અને આકસ્મિક પરિસ્થિતિમાં કઈ રીતે મદદ કરી શકાય તે માટેની તમામ તાલીમ NCCના અન્ય સહાયકો અને પર્વતારોહણ માટે ખાસ તાલીમ પામેલા પ્રશિક્ષકોની હાજરીમાં સમગ્ર દેશમાંથી આવેલા 85 જેટલા કેડેટ્સ તાલીમ મેળવશે.

'આગામી દિવસોમાં સમગ્ર ભારત વર્ષમાં નવા ત્રણ લાખ કેડેટ્સ જોડવાનું મહાઅભિયાન શરૂ થયું છે. થોડા દિવસોમાં પૂર્ણ થયા બાદ આ વર્ષે એક સાથે એક વર્ષમાં ત્રણ લાખ નવા NCCના કેડેટ તાલીમ મેળવતા જોવા મળશે. વધુમાં પાછલા વર્ષોની સરખામણીએ મહિલા કેડેટસની સંખ્યા પણ ખૂબ વધી રહી છે. ખાસ કરીને પછાત અને અશિક્ષિત વિસ્તારોમાંથી પણ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ મહિલા ક્રેડેટ્સ તરીકે NCCમાં તાલીમ મેળવવા માટે આગળ આવી રહી છે જે ખૂબ જ આવકારદાયક છે.'- કર્નલ શિવકુમાર પિલ્લઈ, 8 એનસીસી બટાલિયન
NCCમાં પણ 33% મહિલા ક્રેડેટસ: કર્નલ શિવકુમાર પિલ્લઈએ વધુમાં જણાવ્યું હતું કે આગામી વર્ષમાં NCCમાં 33% મહિલા ક્રેડેટ્સ સામેલ થાય તેને લઈને પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક સમગ્ર દેશમાં કામ થઈ રહ્યું છે. આગામી થોડા જ સમયમાં NCCની કુલ સંખ્યાની સામે તેમાં 33% કેડેટસ મહિલા કેડેટ્સ હશે તેવો વિશ્વાસ પણ કર્નલ શિવકુમાર પિલ્લઈએ વ્યક્ત કર્યો હતો.

વધુમાં જૂનાગઢનું પંડિત દિનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર તમામ પ્રકારના કેમ્પ અને ખાસ કરીને એડવેન્ચર અને લશ્કરી તાલીમ માટે ખૂબ જ અનુકૂળ હોવાનો પણ તેમણે પ્રતિભાવ આપ્યો હતો. કેમ્પના દસ દિવસો દરમિયાન ભારતમાંથી આવેલા ચુનંદા કેડેટ્સ પર્વતારોહણની સાથે અનુશાસન અને શિસ્ત અંગેની તાલીમ પણ અહીંથી પ્રાપ્ત કરશે.