જૂના઼ગઢ : આજે શુક્રવાર સમગ્ર વિશ્વમાં બાળમજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો ધરાવતા દેશમાં ભારતનો ક્રમ પ્રથમ આવે છે જે સૌ કોઈ માટે શરમજનક બાબત કહી શકાય. આજે શુક્રવારે બાળમજૂરી એક સળગતી સમસ્યા બની રહી છે. જેના પર હવે દેશમાં કામ કરવામાં મોડુ કરવામાં આવશે તો આ સમસ્યા કાયમી ઘર કરી લેશે જેના કારણે ભારતના વિશ્વ ગુરુ બનવાના માર્ગમાં એક અને કાયમી અવરોધ બની શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
જિલ્લામાં પણ બાળમજૂરોને લઈને અનેક વખત પગલાઓ ભરવામાં આવ્યા છે, પરંતુ બાળમજૂરોની સંખ્યામાં હજુ પણ કોઇ ઘટાડો જોવા મળતો નથી. જેના મૂળમાં કેટલીક પાયાની સમસ્યાઓ આજે પણ જોવા મળે છે. જો બાળમજૂરોની નાબુદી કરવી હશે તો પાયાની સમસ્યા પર સમય રહેતા કામ કરવું પડશે. અન્યથા દર વર્ષે બાળમજૂરી વિરોધ દિવસ મનાવવા સિવાય કશું કરી શકીયે તેવી સ્થિતિમાં આપણે જોવા મળીશુ નહીં.