પ્રાચીન માન્યતા મુજબ, અહીં ૪ ગુપ્ત પ્રવેશ દ્વાર હતા, જે પૈકીનો પ્રવેશદ્વાર એટલે જટાશંકર મહાદેવ. આ વિસ્તારને ગુપ્ત ગિરનારનું પ્રવેશ દ્વાર તરીકે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે. શિવરાત્રીના દિવસે શિવભક્તો ગાઢ જંગલોમાંથી પસાર થતા હોય છે. માર્ગ પર રામભક્ત હનુમાન એવા કપિરાજ પણ દર્શનાર્થીઓને આવકારતા હોય એમ ઠેર ઠેર જોવા મળે છે.
જટાશંકર મહાદેવના મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ 3 પહોરની આરતી કરવામાં આવે છે. આરતી સમયે મંદિર પરિસરનું વાતાવરણ આહલાદક અને ભક્તિમય બની જાય છે. પ્રાચીન માન્યતા પ્રમાણે, મહાદેવને ધરવામાં આવેલા પ્રસાદને કપિરાજને આરોગવા દેવામાં આવે છે, ત્યારબાદ જ અહીંથી આરતીની શરૂઆત થાય છે. આરતીમાં શિવભક્તોએ ધોતી ધારણ કરવાની પરંપરા આજે પણ જોવા મળે છે. આરતી શરૂ થવાને હજુ થોડો સમય હોય છે, ત્યાં જ કપિરાજ પણ જટાશંકર મહાદેવની આરતીમાં ભાગ લેવા માટે આવી પહોંચે છે.
આ મંદિરની ઉપરની તરફ ગિરનાર પર્વત પર આવેલી પથ્થરચટ્ટીની શીલા પણ શિવલિંગના આકારે જોવા મળે છે. શિવલિંગ સમાન દેખાતી આ શીલા પર કુદરત પણ જાણે કે અભિષેક કરવા માટે તલપાપડ હોય તેમ વાદળોના આલિંગન થકી શિવનો અભિષેક થતો હોય એવું લાગે છે. આવો અલૌકિક નજારો સમગ્ર દેશમાં અન્યત્ર બીજી કોઈ જગ્યાએ જોવા મળતો નથી. આમ, ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવનું અનેરુ મહત્વ છે.